પાકિસ્તાનથી બલુચિસ્તાનની આઝાદીની લડત ચલાવી રહેલા સંગઠન બલુચ લિબરેશન આર્મી (BLA) એક ટ્રેનનું અપહરણ કરી સેંકડો મુસાફરોને બંધક બનાવ્યા હોવાનો દાવો કર્યો હતો. BLAએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના છ લશ્કરી જવાનોના પણ મોત થયા છે.
રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે નવ ડબ્બામાં 400થી વધુ મુસાફરો સાથેની જાફર એક્સપ્રેસ બલુચિસ્તાન પ્રાંતના ક્વેટાથી ખૈબર પખ્તુનખ્વાના પેશાવર જઈ રહી હતી ત્યારે તેના પર ગોળીબાર કરાયો હતો.
બીએલએએ તેના પ્રવક્તા જીયાંદ બલોચના હસ્તાક્ષર સાથેના એક નિવેદનમાં જણાવ્યું હતું કે જો પાકિસ્તાની દળો કાર્યવાહી શરૂ કરશે તો બંધકોને મારી નાખવામાં આવશે. BLA લડવૈયાઓએ રેલ્વે ટ્રેક ઉડાવી દીધો હતો અને ટ્રેનને રોકવાની ફરજ પાડી હતી અને તેમાં ચઢી ગયાં હતાં.
BLA પ્રવક્તાએ સોશિયલ મીડિયા પરના નિવેદનમાં જણાવ્યું હતું કે કોઈપણ લશ્કરી કાર્યવાહીનો જોરદાર જવાબ આપવામાં આવશે. અત્યાર સુધીમાં છ લશ્કરી કર્મચારીઓના મોત થયા છે અને સેંકડો મુસાફરો BLAની કસ્ટડીમાં છે. બલૂચ લિબરેશન આર્મી આ કાર્યવાહીની સંપૂર્ણ જવાબદારી લે છે.
રેલ્વેના એક અધિકારીએ જણાવ્યું હતું કે બલુચિસ્તાનના બોલાન જિલ્લાના મુશ્કાફ વિસ્તારમાં સુરક્ષા દળો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
