પંજાબ પોલીસે ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિંગેશન (FBI)એ વોન્ટેડ જાહેર કરેલા એક આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાની સોમવારે લુધિયાણામાંથી ધરપકડ કરી હતી. એફબીઆઇએ અમેરિકામાં નશીલા પદાર્થોની એક મોટી જપ્તીમાં ભારતીય મૂળના આ ડ્રગ્સ માફિયાને વોન્ટેડ જાહેર કર્યો હતો.
પંજાબ પોલીસે જણાવ્યું હતું કે શહનાઝ સિંહ, (શોન ભિંડર) 2014થી કેનેડામાં પરિવહન વ્યવસાયના આડમાં કાર્યરત હતો અને કોલંબિયાથી મેક્સિકો થઈને અમેરિકા અને કેનેડામાં ડ્રગ્સની હેરફેરમાં કથિત રીતે મદદ કરતો હતો. એફબીઆઈની કાર્યવાહી પછી કેનેડાના બ્રેમ્પટનમાં રહેતો અને પંજાબના બટાલાના મંડિયાલા ગામનો વતની ભિંડર એફબીઆઈના જાસૂસોને હાથ તાળી આપીને છટકી ગયો હતો અને ભારતમાં આવી ગયો હતો. પોલીસે તેને સફળતાપૂર્વક શોધી કાઢ્યો હતો અને લુધિયાણામાં તેની ધરપકડ કરી.
26 ફેબ્રુઆરી, 2025ના રોજ યુ.એસ.માં થયેલી સૌથી મોટી ડ્રગ જપ્તીમાં એફબીઆઈએ તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. યુએસ એજન્સીએ તેના છ સહયોગીઓની ધરપકડ કરી હતી અને તેમના કબજામાંથી 391 કિલો મેથામ્ફેટામાઇન, 109 કિલો કોકેન, ચાર અત્યાધુનિક શસ્ત્રો અને વાહનો જપ્ત કર્યા હતાં.એફબીઆઈએ ધરપકડ કરેલા છની ઓળખ અમૃતપાલ સિંહ ઉર્ફે અમૃત ઉર્ફે બલ, અમૃતપાલ સિંહ ઉર્ફે ચીમા, તકદીર સિંહ ઉર્ફે રોમી, સરબજીત સિંહ સાબી, ફર્નાન્ડો વલ્લાડેરેસ ઉર્ફે ફ્રાન્કો અને ગુરલાલ સિંહ તરીકે થઈ હતી.
