અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની નવી નીતિના કારણે H1-B વિઝા દ્વારા સ્થાયી થયેલા ભારતીય પરિવારોના 1.34 લાખ યુવાનોમાં ચિંતા વ્યાપી છે. તેઓ અમેરિકા આવ્યા તે સમયે આ યુવાનોની ઉંમર નાની હતી અને તેમને ડિપેન્ડન્ટનું સ્ટેટસ મળ્યું હતું. અમેરિકાના કાયદા મુજબ, H1-B વિઝા ધરાવતા માતા-પિતાના સંતાનને 21 વર્ષનો થાય ત્યાં સુધી H-4 વિઝાધારક માનવામાં આવે છે. 21ની ઉંમર પૂર્ણ થયા પછી તેમના વિઝા આપોઆપ રદ થાય છે. આ સ્થિતિમાં અમેરિકામાં તેમનો વસવાટ કાયદાની દૃષ્ટિએ ગુનો બનવાનું જોખમ છે. માતા-પિતા અમેરિકા હોય ત્યારે સંતાનો માટે ભારત પરત જવાનું પણ મુશ્કેલ છે. આથી અંદાજે 1.34 લાખ ભારતીય યુવાનો મુશ્કેલીમાં મુકાયા છે.
તેમની પાસે સ્વેચ્છાએ અમેરિકા છોડીને ભારત જવાનો વિકલ્પ છે. નાનપણથી ભારત સાથે ખાસ સંબંધ ન હોવાથી ત્યાંના માહોલમાં સ્થાયી થવું કઠીન છે. બીજી બાજુ, અમેરિકામાં તેમને વિદેશી માનવામાં આવે છે. અમેરિકન સરકારના માર્ચ, 2023ના ડેટા મુજબ, ઉંમરના કારણે ડીપેન્ટન્ડન્ટ વિઝા સ્ટેટસ રદ થયું હોય અને પરિવારને ગ્રીન કાર્ડ ન મળ્યું હોય તેવા ભારતીય યુવાનોની સંખ્યા 1.34 લાખ છે. ટેક્સાસની કોર્ટના ચુકાદા મુજબ, ડીફર્ડ એક્શન ફોર ચાઈલ્ડહૂડ એરાઈવલ્સ (DACA) અંતર્ગત વર્ક પરમિટની અરજીઓને સ્થગિત કરાઈ છે. DACA અંતર્ગત દસ્તાવેજ નહીં ધરાવતા માઈગ્રન્ટ્સને બે વર્ષ સુધી રક્ષણ મળે છે અને ડીપોર્ટ કરાતા નથી. જેથી 21 વર્ષની ઉંમર વટાવ્યા પછી તેમને વધારે સમય મળે છે અને વિઝા રીન્યુ થવાની અથવા અન્ય કેટેગરીમાં વિઝા મળવાની તક વધે છે. DACAની જોગવાઈ લાગુ ન કરાય તો ભારતીય યુવાનોની મુશ્કેલીમાં વધારો થશે. ગ્રીન કાર્ડનો વેઈટિંગ પિરિયડ 12 વર્ષથી લઇને 100 વર્ષ સુધીનો રહેવાની શક્યતા હોય છે.
