કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (એફઆઇસીસીઆઇ) સાથે સંયુક્તપણે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી (આઇએફએસસીએ)ના સહયોગથી ગાંધીનગરમાં દ્વિતીય “ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિટ”નું આયોજન કર્યું હતું. આ સમિટના ઉદઘાટન પ્રસંગે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન કિંજારાપુ રામમોહન નાયડુ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે, અત્યારે ગિફ્ટ સિટીને કોઈ પણ વૈશ્વિક નાણાકીય કેન્દ્રો સાથે સરખાવી શકાય તેમ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, અમે કોઈની સાથે સ્પર્ધા કરવાનો પ્રયાસ કરી રહ્યા નથી ફક્ત તે વૈશ્વિક કેન્દ્રને પૂરક બનાવે છે. વિચાર એ છે કે આપણે મોટા બજારને કારણે વિશાળ તક ગુમાવવી જોઈએ નહીં જે આવા વધુ સ્પર્ધકોને સમાવી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, “ગિફ્ટ સિટી ભારતનાં ઉડ્ડયન ક્ષેત્રને સ્પર્ધાત્મક એરક્રાફ્ટ લીઝિંગ હબ વિકસાવવા માટે જરૂરી આત્મવિશ્વાસ, કટિબદ્ધતા અને જોડાણ પ્રદાન કરશે. એરક્રાફ્ટ લીઝિંગ એ મુખ્ય નાણાકીય નવીનતા છે, જેની ભારતના વધતા જતા નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને જરૂર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “ઉડાન યોજના અને 10 વર્ષમાં ભારતનાં એરપોર્ટ્સને બમણા કરવાથી ભારત દુનિયામાં ત્રીજું સૌથી મોટું સ્થાનિક ઉડ્ડયન બજાર બની ગયું છે.”

તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, વર્ષ 2047 સુધીમાં સરકાર 350 એરપોર્ટનું નિર્માણ કરવાની યોજના બનાવી રહ્યું છે, જેમાંથી 34 એરપોર્ટ મેગા એરપોર્ટ તરીકે વિકસિત કરાશે, જે વાર્ષિક ધોરણે બે કરોડ પેસેન્જર્સનું સંચાલન કરશે. આગામી પાંચ વર્ષમાં અમે વધુ 50 એરપોર્ટનું નિર્માણ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. “ઉડાન યોજનાને વધુ 10 વર્ષ માટે પણ લંબાવવામાં આવી છે, જે દેશમાં ચાર કરોડ મુસાફરોને જોડશે અને ભારતમાં 120 નવા સ્થળોનું નિર્માણ કરશે. તેમણે વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનવા માટે દેશમાં એરક્રાફ્ટ ફાઇનાન્સિંગ અને લીઝિંગ માટે એક મજબૂત ઇકોસિસ્ટમ બનાવવાની વિનંતી કરી. શ્રી રામ મોહન નાયડુએ ઉમેર્યું હતું કે, “ગિફ્ટ સિટી ભારતના નાગરિક ઉડ્ડયન ઉદ્યોગ દ્વારા સર્જવામાં આવેલા મૂલ્યોને ઘરઆંગણે લાવવાની પરિવર્તનકારી તકનું પ્રતિનિધિત્વ કરે છે.”

આ પ્રસંગે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટીએ આજે પોતાને ફિનટેક હબ ઓફ ઇન્ડિયા તરીકે સ્થાપિત કર્યું છે. આવા સમયે, આ સમિટ ઉડ્ડયન ક્ષેત્ર અને એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગના વિકાસ માટે અને ઉડ્ડયન ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.નાગરિક ઉડ્ડયન સચિવ વુમલુન્મંગ વૌલનમે જણાવ્યું હતું કે, “ભારતીય કેરિયર્સ આગામી 5 વર્ષમાં તેમના એરક્રાફ્ટને 800થી વધારીને 1500 એરક્રાફ્ટ સુધી બમણા કરવા વિચારી રહ્યા છે.”

LEAVE A REPLY