લંડનમાં ચાથમ હાઉસ થિંક ટેન્ક ખાતે એક સેશન દરમિયાન વિદેશ પ્રધાન એસ જયશંકરે બુધવારે જણાવ્યું હતું કે પાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળ રહેલ કાશ્મીરના ચોરાયેલા હિસ્સાની વાપસી પછી સમગ્ર કાશ્મીર મુદ્દાનો ઉકેલ આવી જશે.
ભારત-પાકિસ્તાન વચ્ચેના કાશ્મીર વિવાદ અંગે એક પ્રશ્નના જબાવમાં જયશંકરે ભારતના કાશ્મીર મિશનની માહિતી આપતા જણાવ્યું હતું કે આ મુદ્દાના ઉકેલ માટે અમે મોટાભાગની સારી કામગીરી કરી છે. કલમ 370ની નાબૂદી પહેલું પગલું હતું, કાશ્મીરમાં વિકાસ, આર્થિક પ્રવૃત્તિ અને સામાજિક ન્યાય બીજું પગલું હતું અને ખૂબ જ ઊંચા મતદાન સાથે ચૂંટણી યોજવી તે ત્રીજું પગલું હતું. હવે અમે કાશ્મીરના ચોરાયેલા હિસ્સાની વાપસીની રાહ જોઇએ રહ્યાં છે, જે પાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળ છે. આ હિસ્સાની વાપસી થશે ત્યારે કાશ્મીર મુદ્દાનો ઉકેલ આવી જશે.
જયશંકરની ટીપ્પણી અંગે ઇસ્લામાબાદમાં પાકિસ્તાન વિદેશ કાર્યાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આઝાદ જમ્મુ અને કાશ્મીર વિશે પાયાવિહોણા દાવા કરવાને બદલે ભારતે છેલ્લા 77 વર્ષથી તેના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરના વિશાળ પ્રદેશોને ખાલી કરવા જોઈએ.
