અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલથી ભારત જેટલી ટેરિફ લાદે છે તેટલી લાદવાની જાહેરાત કરી હોવાથી ભારતને વાર્ષિક સાત બિલિયન ડોલરનું નુકસાન થવાનો સિટી રિસર્ચના એનાલિસીસમાં અંદાજ વ્યક્ત કરાયો હતો.
ભારતને ટેરિફ ટાર્ગેટ બનાવવાના ટ્રમ્પના નિર્ણયથી ઓટોથી માંડી એગ્રીકલ્ચર સુધીના નિકાસ ક્ષેત્રોમાં ચિંતા ફેલાઇ હતી. બ્લૂમબર્ગ ઈકોમોનોમિસ્ટ માએવા કઝિન અને ડ્યૂશ બેન્કના જ્યોર્જ સારાવેલોસનું માનવું છે કે, ભારત અને અમેરિકાના ટેરિફ દર વચ્ચે મોટું અંતર છે અને તેથી વળતો જવાબ મળવાનું નક્કી હતું. અમેરિકાના સામાન પર ભારત 10 ટકા વધારે ટેક્સ વસૂલે છે. મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ મુજબ, અમેરિકા સમાન કરને લાગુ કરે તો ભારત અને થાઈલેન્ડને 4થી 6 ટકા જેટલો ટેરિફ વધારો ભોગવવો પડશે. સિટી રિસર્ચના અનુમાન મુજબ, ટ્રમ્પના આ પગલાની અસર ભારતના ઓટોથી માંડી એગ્રીકલ્ચર સુધીના ક્ષેત્રો પર પડશે.
ભારતમાંથી કેમિકલ, મેટલ પ્રોડક્ટ્સ અને જ્વેલરીની સૌથી વધુ નિકાસ થાય છે. ત્યારબાદ ઓટોમોબાઈલ, ફાર્માસ્યુટિકલ્સ અને ફૂડપ્રોડક્ટ્સ આવે છે. 2024માં ભારતે અમેરિકામાં 74 અબજ ડોલરની નિકાસ કરી હતી. તેમાં 8.5 અબજ ડોલરના જ્વેલરી-જેમ્સ, 8 અબજ ડોલરની દવાઓ અને 4 અબજ ડોલરના પેટ્રોકેમિકલ્સ હતા. ભારતે 2023માં એકંદરે 11 ટકા ટેરિફ વસૂલી હતી, જે અમેરિકાએ ભારતીય નિકાસ પર લાદેલા ટેક્સની સરખાણીએ 8.2 ટકા વધારે ઊંચી હતી.
અમેરિકાના અનુમાન મુજબ, 2024માં ભારત સાથે અમેરિકાએનો કુલ ગૂડ્સ વેપાર 129.2 બિલિયન ડોલરનો હતો. ભારતમાં 2014માં અમેરિકાની પ્રોડક્ટ્સની નિકાસ અગાઉના વર્ષની સરખામણીમાં 3.4 ટકા વધીને 41.8 બિલિયન ડોલર થઈ હતી. આની સામે ભારતની અમેરિકા ખાતેની ગૂડ્સ નિકાસ 4.5 ટકા વધીને 87.4 અબજ ડોલર થઈ હતી. ભારત સાથે અમેરિકાની વેપાર ખાધ 2024માં 45.7 અબજ ડોલર રહી હતી, જે 2023ની સરખામણીમાં 5.4 ટકાનો વધારો દર્શાવે છે.
