૧,૦૦૦ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર, વિન્ડસર કાસલના સ્ટેટ એપાર્ટમેન્ટ્સના સેન્ટ જ્યોર્જ હોલમાં ઇફ્તાર પાર્ટી યોજાઇ હતી જેમાં ૩૫૦થી વધુ લોકો રમઝાનનો ઉપવાસ તોડવા માટે એકઠા થયા હતા. મહેમાનો ભોજન લેતા પહેલા ખજૂર ખાઇને ઉપવાસ તોડ્યો હતો. લંડન સ્થિત ચેરિટી રમઝાન ટેન્ટ પ્રોજેક્ટ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિન્ડસર કાસલના વિઝિટર ઓપરેશન્સ ડિરેક્ટર સાઇમન મેપલ્સે જણાવ્યું હતું કે ‘’રાજા ઘણા વર્ષોથી ધાર્મિક વિવિધતાનું સમર્થન કરી રહ્યા છે અને આંતરધાર્મિક વાતચીતને પ્રોત્સાહન આપી રહ્યા છે. આ બાબતે અમે ખૂબ આગળ નીકળી ગયા છીએ.’’
રમઝાન ટેન્ટ પ્રોજેક્ટના સ્થાપક અને ચિફ એક્ઝીક્યુટીવ ઓમર સલ્હાએ કહ્યું હતું કે “રાજા આ હેતુ માટે એક ઉત્તમ રાજદૂત છે અને સમુદાય એકતા માટે પ્રતિબદ્ધ છે. બ્રિટિશ મુસ્લિમ સમુદાય પ્રત્યેના તેમના સમર્થન બદલ અમે ખૂબ આભારી છીએ.”
સેન્ટ જ્યોર્જ હોલનો ઉપયોગ વિવિધ દેશોના વડાઓના મનોરંજન અને ખાસ ભોજન સમારંભો માટે થાય છે. પણ આ વખતે સમગ્ર ઇમારતમાં ઇસ્લામિક પ્રાર્થનાનો અવાજ ગુંજ્યો હતો.
એક મહિલાએ બીબીસીને કહ્યું હતું કે “શાહી પરિવારે અમારા માટે પોતાનું ઘર ખોલ્યું તે ખૂબ જ ઉમદા બાબતે છે.” તો બીજી એક મહિલાએ ઉમેર્યું હતું કે “અમે ક્યારેય વિચાર્યું ન હતું કે અમે અહીં ઇફ્તાર કરીશું.”
એક મહિલાએ કહ્યું હતું કે ‘’ઇફ્તાર માટે વિન્ડસર કાસલ ખોલવું અને મહામહિમના વિન્ડસરના ઘરમાં જમવું તે જીવનભરની યાદગાર ક્ષણ રહેશે.
