નોર્થ વેસ્ટ લંડનના હેરો સ્થિત ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટરના પ. પૂ. રાજરાજેશ્વર ગુરુજીએ મધ્યપ્રદેશના વિખ્યાત આધ્યાત્મિક કેન્દ્ર, બાગેશ્વર ધામના પવિત્ર બાલાજી મંદિરમાં પરંપરાગત હિન્દુ વિધિ સાથે યોજાયેલા 251 વંચિત દિકરીઓના ‘સમુહ કન્યા વિવાહ મહોત્સવ’માં ઉપસ્થિત રહી નવદંપત્તીઓને અશિર્વાદ આપ્યા હતા.

પૂ. ગુરુજીએ આ પ્રસંગે કહ્યું હતું કે “બાગેશ્વર ધામ પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી મને પોતાનો મોટો ભાઈ માને છે, અને આ ઐતિહાસિક પહેલમાં હાજર રહેવું મારી ફરજ હતી. બે દિવસ સુધી, હું બાગેશ્વર ધામ સરકાર સાથે નજીકથી કામ કરીને આ કાર્યક્રમના અમલીકરણમાં ઊંડાણપૂર્વક સામેલ હતો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના આગમન સાથે, અમે સામૂહિક રીતે સરળ વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી. આ ખરેખર એક પારિવારિક કાર્યક્રમ હતો જેમાં અમે સમાન જવાબદારીઓ લીધી હતી. આ કાર્યક્રમે માનવતાની યાત્રામાં એક સીમાચિહ્નરૂપ સ્થાન મેળવ્યું છે અને ખાતરી કરાઇ હતી કે કોઈ પણ દિકરી નાણાકીય મુશ્કેલીઓને કારણે ગૌરવપૂર્ણ લગ્નના અધિકારથી વંચિત ન રહે.’’

માનવતાવાદી સેવા અને ભક્તિના પુરાવા સમાન આ સમુહ કન્યા વિવાહમાં આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓને રાજવી પરિવારની જેમ પરણાવવામાં આવી હતી. ભવ્ય લગ્ન આયોજન ગૌરવ અને આદરનું પ્રતીક હતા.

કેન્સર હોસ્પિટલનો શિલાન્યાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાગેશ્વર ધામમાં એક અત્યાધુનિક કેન્સર હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો હતો. આ તબીબી સંસ્થાની કલ્પના આ પ્રદેશમાં વિશ્વસ્તરીય કેન્સર સારવાર સુવિધાઓ આપવાની છે.

ગુરુજીએ કહ્યું હતું કે “કેન્સર હોસ્પિટલ એક શક્તિશાળી સંદેશ આપે છે કે દવા અને ભગવાનના આશીર્વાદ સાથે રહી શકે છે. પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિની માનનીય હાજરી દ્વારા સમર્થિત આ પ્રોજેક્ટ સમુદાયના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.”

બુંદેલખંડમાં યોજાયેલ આ આધ્યાત્મિક મહાકુંભ સમાન કાર્યક્રમમાં વૃંદાવનના પુંડરિક ગોસ્વામી, સંસ્કાર ટીવીના સીઈઓ મનોજ ત્યાગી, ઝી ટીવીના જવાહર ગોયલ સહિત આધ્યાત્મિક નેતાઓ, સંતો અને રાષ્ટ્રીય મહાનુભાવોએ હાજરી આપી પ્રસંગની ભવ્યતામાં વધારો કર્યો હતો.

LEAVE A REPLY