FIle PHOTO (ANI Photo)

વિદેશ પ્રધાન જયશંકરની યુકે મુલાકાત દરમિયાન સુરક્ષા ભંગની ભારતે ગુરુવારે સખત નિંદા કરી હતી તથા અલગતાવાદીઓ અને ઉગ્રવાદીઓના નાના ગ્રુપના વિરોધી દેખાવોની આકરી ટીકા કરી હતી. લંડનમાં ચાથમ હાઉસની બહાર બુધવારે ખાલિસ્તાન તરફી ખાલિસ્તાનની ઉગ્રવાદીઓ દેખાવો કર્યો હતો. અહીં જયશંકર હાજરી આપી રહ્યાં હતાં. ખાલિસ્તાનીઓ ઝંડા અને લાઉડસ્પીકર સાથે સૂત્રોચ્ચાર કર્યો હતો.

ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે “અમે EAMની યુકેની મુલાકાત દરમિયાન સુરક્ષાના ભંગના ફૂટેજ જોયા છે. અમે અલગતાવાદીઓ અને ઉગ્રવાદીઓના આ નાના જૂથની ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓની નિંદા કરીએ છીએ. અમે આવા તત્વો દ્વારા લોકતાંત્રિક સ્વતંત્રતાના દુરુપયોગની નિંદા કરીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે આવા કિસ્સાઓમાં યજમાન સરકાર તેમની રાજદ્વારી જવાબદારીઓનું સંપૂર્ણ પાલન કરે.”

ચાથમ હાઉસની ઇવેન્ટમાં હાજરી આપ્યા પછી જયશંકર એક કારમાં જઈ રહ્યાં હતા ત્યારે ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ તેમના પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. ઓનલાઈન ફરતા એક વીડિયોમાં દેખાય છે કે એક વ્યક્તિ જયશંકરના વાહન તરફ દોડી રહ્યો છે અને લંડન પોલીસ અધિકારીઓની સામે ભારતીય રાષ્ટ્રધ્વજ ફાડી રહ્યો છે. તોડફોડના કૃત્ય છતાં અધિકારીઓ બિનજવાબદાર દેખાયા હતાં.

ખાલિસ્તાની જૂથોએ લંડનમાં ભારત વિરોધી દેખાવો કર્યા હોય તેવું આ પ્રથમ વખત નથી. જાન્યુઆરીમાં, ખાલિસ્તાન તરફી ઉગ્રવાદીઓએ ભારતીય હાઈ કમિશનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. એક અલગ ઘટનામાં, ખાલિસ્તાની જૂથોએ લંડનના હેરોમાં એક સિનેમા પર હુમલો કર્યો હતો અને કંગના રનૌત અભિનીત ફિલ્મ ‘ઇમરજન્સી’ના સ્ક્રીનિંગને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

LEAVE A REPLY