ભારતની કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇએ ખાનગી તપાસકર્તા માઇકલ હર્શમેન પાસેથી માહિતી મેળવવા માટે અમેરિકાને એક ન્યાયિક રિકવેસ્ટ મોકલી હતી. હર્શમેને 1980ના દાયકાના રૂ.64 કરોડના બોફોર્સ લાંચ કૌભાંડ અંગેની મહત્ત્વની વિગતો ભારતીય એજન્સીઓને આપવાની અગાઉ તૈયારી દર્શાવી હતી. સીબીઆઈને આ વર્ષે 14 જાન્યુઆરીએ અમેરિકાને આવી ન્યાયિક વિનંતી કરવાની ગૃહ મંત્રાલયે મંજૂરી આપી હતી.
ફેરફેક્સ ગ્રૂપના વડા હર્શમેને 2017માં ખાનગી જાસૂસોની કોન્ફરન્સમાં ભાગ લેવા ભારતની મુલાકાત લીધી હતી. ભારતની મુલાકાત દરમિયાન હર્શમેને વિવિધ પ્લેટફોર્મમાં હાજરી આપી હતી અને આક્ષેપ કર્યો હતો કે આ કૌભાંડની તપાસ તત્કાલીન કોંગ્રેસ સરકારે ખોરવી નાંખી હતી અને તેઓ સીબીઆઈને મહત્ત્વપૂર્ણ માહિતી આપવા તૈયાર છે. હર્શમેને એક ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે કેન્દ્રીય નાણામંત્રાલયે 1986માં વિદેશમાં ભારતીયો દ્વારા કરન્સી કંટ્રોલ કાયદા અને મની લોન્ડરિંગ કાયદાના ભંગની તપાસ કરવા અને ભારતની બહારની આવી સંપત્તિઓ પર નજર રાખવા તેમની નિમણૂક કરી હતી. તેમાંથી કેટલીક સંપત્તિ બોફોર્સ સોદાથી સંબંધિત હતી.
સીબીઆઇએ હર્શમેનની નિમણૂક અને તેમને કોઇ રીપોર્ટ સુપરત કર્યો હતો કે નહી તેની નાણા મંત્રાલય પાસેથી વિગતો માગી હતી. પરંતુ તે સમયે રેકોર્ડ એજન્સી અપાયાં ન હતાં.
એજન્સીએ હર્શમેનના દાવાની નોંધ લીધી હતી અને 2017માં આ મામલાની તપાસની જાહેરાત કરી હતી.
એજન્સીએ 8 નવેમ્બર 2024, 21 ડિસેમ્બર 2023 અને 13 મે 2024એ અમેરિકન ઓથોરિટીને પત્રો-રીમાઇન્ડર્સ મોકલ્યાં હતાં, પરતુ કોઇ માહિતી મળી ન હતી. તેથી લેટર્સ રોટેટરીની જરૂરી પડી હતી. લેટર રોટેટરી એટલે એક દેશની કોર્ટ દ્વારા બીજા દેશની કોર્ટને મોકલવામાં આવતી રિકવેસ્ટ. સીબીઆઈને આ વર્ષે 14 જાન્યુઆરીએ અમેરિકાને આવી ન્યાયિક વિનંતી કરવાની ગૃહ મંત્રાલયે મંજૂરી આપી હતી. એજન્સીએ સ્પેશિયલ કોર્ટને જાણ કરી હતી અને કોર્ટે 11 ફેબ્રુઆરીએ ન્યાયિક વિનંતી મોકલવાની મંજૂરી આપી હતી.
1980ના દાયકામાં રાજીવ ગાંધીની કોંગ્રેસ સરકાર દ્વારા બોફોર્સ સોદો થયો હતો. સ્વીકિશ રેડિયો ચેનલે આ સોદા માટે ભારતના રાજકીય નેતાઓ અને અધિકારીઓને લાંચ આપી હોવાનો ઘટસ્ફોટ કર્યા પછી આ કૌભાંડથી ભારતના રાજકારણમાં ઉથલપાથલ મચી હતી. સ્વીડિશ કંપની બોફોર્સ સાથે રૂ.1,437 કરોડના સોદામાં રૂ. 64-કરોડની લાંચના આક્ષેપ થયા હતા.
