ભારતમાં આશરે 10 મિલિયન ડોલરથી વધુની સંપત્તિ ધરાવતા હાઈ-નેટ-વર્થ વ્યક્તિઓ (HNWIs)ની સંખ્યા ગયા વર્ષે 6 ટકા વધીને 85,698 થઈ હતી. અગાઉના વર્ષે આ સંખ્યા 80,686 હતી. 2028 સુધીમાં ભારતમાં આવા મિલિયોનેર્સની સંખ્યા વધીને 93,753 થવાની ધારણા છે.
ગ્લોબલ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ નાઈટ ફ્રેન્કે બુધવારે ‘ધ વેલ્થ રિપોર્ટ 2025’માં જણાવ્યું હતું કે HNIW વસ્તીનું વધતું વલણ દેશના મજબૂત લાંબા ગાળાની આર્થિક વૃદ્ધિ, રોકાણની તકોમાં વધારો અને વિકસતા વૈભવી બજારને પ્રકાશિત કરે છે, જે વૈશ્વિક સંપત્તિ નિર્માણમાં ભારતને મુખ્ય દેશ તરીકે સ્થાન આપે છે.
ભારતમાં અબજોપતિઓની સંખ્યામાં પણ વર્ષ 2024માં મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી. ભારતમાં હવે 191 અબજોપતિઓ છે, જેમાંથી 26 ફક્ત ગયા વર્ષે જ આ રેન્કમાં જોડાયા હતાં. 2019માં ભારતમા માત્ર સાત અબજપતિ હતી. ભારતીય અબજોપતિઓની કુલ સંપત્તિ 950 બિલિયન ડોલર હોવાનો અંદાજ છે, જે વૈશ્વિક સ્તરે અમેરિકા (5.7 ટ્રિલિયન ડોલર) અને મેઇનલેન્ડ ચાઇના (1.34 ટ્રિલિયન ડોલર) પછી ત્રીજા ક્રમે છે.
નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શિશિર બૈજલે જણાવ્યું હતું કે, દેશમાં ઉદ્યોગસાહસિકતા, વૈશ્વિક એકીકરણ અને ઉભરતા ઉદ્યોગોને કારણે હાઇ નેટવર્થ વ્યક્તિઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થયો છે.
