• અમિત રોય દ્વારા

ભારતીય વિદ્યા ભવનમાં લાંબા સમય સુધી ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે સેવાઓ આપનાર યુકેના વિખ્યાત હોટેલિયર જોગીન્દર સેંગરનું શુક્રવાર તા. 28 ફેબ્રુઆરીના રોજ 82 વર્ષની વયે અવસાન થયું હતું.

તેઓ પોતાની પાછળ પત્ની સુનિતા, પુત્રી રીમા અને પુત્ર ગિરીશ સહિત વિશાળ પરિવારને વિલાપ કરતા મૂકી ગયા છે. સેંગરના બિઝનેસીસમાં ખાસ કરીને તેમની હોટલો – મેફેરમાં વોશિંગ્ટન, કેન્સિંગ્ટનમાં બેન્ટલી અને સોહો અને શોર્ડિચમાં કોર્ટહાઉસ હોટલ જાણીતી છે જેને થોડા સમય માટે તેમની પુત્રી, રીમા અને પુત્ર ગિરીશ દ્વારા સંચાલિત કરવામાં આવી છે.

ગયા શનિવારે જ સ્વ. સેંગર અને તેમના પુત્ર ગિરીશ, વેસ્ટ લંડનમાં ઇન્ડિયન જીમખાના ક્લબ ખાતે લોર્ડ સ્વરાજ પોલના 94મા જન્મદિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા.

લોર્ડ પોલે ઇસ્ટર્ન આઇને જણાવ્યું હતું કે, “તેઓ લાંબા સમયથી ગાઢ મિત્ર હતા – અને એક સુંદર માણસ હતા.”

ભવનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. એમ. એન. નંદકુમારે શ્રધ્ધાંજલિ આપતા કહ્યું હતું કે “જોગીન્દરજી ખૂબ જ સરળ છતાં ગહન વ્યક્તિ હતા. તેઓ ઇચ્છતા હતા કે આપણી સંસ્કૃતિ અને વારસો આપણી યુવા પેઢી માટે સરળતાથી ઉપલબ્ધ થાય.”

ભવને એક નિવેદનમાં જણાવ્યું હતું કે “શ્રી સેંગરે ભવનના વાર્ષિક દિવાળી ભોજન સમારંભની શરૂઆત કરી હતી જે પાંત્રીસ વર્ષથી ચાલી રહ્યો છે. તેમના કાર્યકાળ દરમિયાન ભવને કલા અને સંસ્કૃતિના ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી હતી. તેઓ નિષ્ઠાપૂર્વક માનતા હતા કે આપણે આપણા સાંસ્કૃતિક શિક્ષણને આપણા બાળકો માટે સરળતાથી સુલભ બનાવવું જોઈએ, જેઓ આપણી સાંસ્કૃતિક ચળવળનું ભવિષ્ય છે.”

સેંગરે ૧૯૯૩-૨૦૧૧ સુધી ભવનના વાઇસ ચેરમેન તરીકે અને ૨૦૧૧-૨૦૨૨ સુધી ચેરમેન તરીકે સેવા આપી હતી.

જસબીર સિંહ સચ્ચર દ્વારા વાર્ષિક પ્રકાશિત થતું ‘ધ એશિયન હૂ’સ હૂ’માં શ્રી સેંગરને ૨૦૧૧માં ‘એશિયન ઓફ ધ યર’ બહુમાન અપાયું હતું.

શ્રી સેંગરનો જન્મ ૬ જૂન ૧૯૪૨ના રોજ ‘ચક નંબર ૨૫૮, લ્યાલપુર’માં થયો હતો. તેઓ ૧૯૬૧માં બ્રિટન આવતા પહેલા જલંધરના એક તહસીલ, અપરામાં રહેતા હતા. જ્યાં તેમણે ડીએવી કોલેજમાંથી શિક્ષણ મેળવ્યું હતું. તેઓ 19 વર્ષના હતા ત્યારે એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે બ્રિટન આવ્યા હતા. શ્રી સેંગરના લગ્ન ૧૯૭૧માં થયા હતા. યુકે આવ્યા બાદ ટ્રાવેલ એજન્ટ તરીકે, તેમણે લંડનના વેસ્ટ એન્ડમાં પોલેન્ડ સ્ટ્રીટ ખાતે એક ઓફિસમાં ઘણા વર્ષો સુધી કામ કર્યું હતું. યુકેમાં તેઓ વિવિધ ધાર્મિક, સામાજિક, કલ્યાણકારી અને રમતગમત સંગઠનોના સભ્ય અને સમર્થક બન્યા હતા.

તેમની કોર્ટહાઉસ હોટેલમાં આવેલી વાસ્તવિક મેજિસ્ટ્રેટ કોર્ટનું સિનેમામાં રૂપાંતરણ કરાયું છે જ્યાં ઘણા બોલિવૂડ પ્રીમિયર તથા ઇન્ડિયન જર્નાલીસ્ટ એસોસિએશના કાર્યક્રમો યોજાયા છે. તો અભિનેતા દેવ આનંદના નિધન વખતે પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું. તો બેન્ટલી હોટેલમાં ભારતીય મહાનુભાવો જેમ કે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ અને વડા પ્રધાન મનમોહન સિંહ મહેમાન તરીકે રહી ચૂક્યા છે.

40 વર્ષની સેવા પછી 2022માં ભવનમાંથી રાજીનામું આપતી વખતે ગરવી ગુજરાતને આપેલી મુલાકાતમાં શ્રી સેંગરે કહ્યું હતું કે મારા માટે ભવન મારા પોતાના બિઝનેસ કરતાં વધુ મહત્વપૂર્ણ બની ગયું છે. તેમણે ભવનની અનિશ્ચિત નાણાકીય સ્થિતીને  મજબૂત પાયા પર મૂકી હતી. યુવાન ભારતીય છોકરા – છોકરીઓને ખોટા માર્ગે જતા અટકાવવા માટે ભવન જેવા સંગઠનની જરૂર હતી તે વિશે વાત કરી હતી.

સેંગરે કહ્યું હતું કે ‘’આજે, મને ભારત પર ખૂબ ગર્વ છે. આજે, આપણે વિશ્વના ત્રણ કે ચાર ટોચના અર્થતંત્રોમાંના એક છીએ. આપણા કેટલાક રાજકારણીઓ (ભારતમાં) સારા રહ્યા છે તો કેટલાક ખરાબ. પરંતુ તેમણે ભારતને આ સ્તરે પહોંચાડ્યું છે. મારા સિદ્ધાંતોમાંનો એક એ છે કે ભૂલો એવા લોકો દ્વારા થાય છે જે કામ કરવાનો અને કંઈક કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ જે વ્યક્તિ કામ કરતો નથી, તે શું ભૂલ કરશે? માત્ર ઇંગ્લેન્ડમાં જ નહીં, પરંતુ અમેરિકામાં, હકીકતમાં, દરેક જગ્યાએ, ભારતીયો સમાજની કરોડરજ્જુ છે.”

શ્રી સેંગરે નમ્રતાપૂર્વક સ્વીકાર્યું હતું કે “હું એક ગામડામાંથી આવ્યો હતો. મેં ક્યારેય ભવન વિશે સાંભળ્યું ન હતું. શરૂઆતમાં, મને લાગ્યું કે તેનો ધર્મ સાથે કોઈ સંબંધ છે પરંતુ તે મારી અજ્ઞાનતા હતી. હું ખોટો હતો. મને સમજાયું કે આ સંસ્થા આપણા બાળકોની ભાવિ પેઢીઓ માટે મહત્વપૂર્ણ છે. ઇમિગ્રન્ટ્સની પ્રથમ પેઢીના પતિ-પત્ની કામ પર જતા ત્યારે બાળકોને શાળા પછી દેખરેખ વિના છોડી દેવાતા હતા. એવું જોખમ હતું કે તેઓ ટેડી બોય બની જશે.”

૧૯૮૦માં સેંગર એર ઇન્ડિયામાં જનરલ સેલ્સ એજન્ટ તરીકે કામ કરતા હતા ત્યારે ભારતના નેશનલ કેરિયરના રીજનલ ડાયરેક્ટર સ્વ. માણેક દલાલના પરિચયમાં આવ્યા હતા. શ્રી દલાલની વિનંતી પર, સેંગરે શરૂઆતમાં ભવનને આર્થિક રીતે મદદ કરવાનું કામ હાથમાં લીધું હતું. જેને કારણે બિરલા પરિવાર તરફથી ભવનને £256,000નું દાન આપવામાં આવ્યું હતું, જેમાં શરત હતી કે મૂડીમાંથી મળેલા વ્યાજનો ઉપયોગ ખર્ચ તરીકે થઈ શકશે. સેંગરે બેંક ઓફ બરોડા સાથેના પોતાના સંપર્કોનો ઉપયોગ કરીને ભવનની નાણાકીય સ્થિતિ સ્થિર કરવા માટે પોતાના બેંક ખાતાઓનો ઉપયોગ જામીનગીરી તરીકે કરવાની ઓફર કરી હતી. ભવનના ડીનર કાર્યક્રમો માટે તેમણે 10 લોકોના ટેબલ બુકીંગના £250થી ઘટાડીને £100 કર્યા હતા. જેને પગલે ધીમે ધીમે, ભવને એક સ્વસ્થ બેંક બેલેન્સ બનાવ્યું હતું અને વિસ્તરણ કરવામાં સક્ષમ બન્યું હતું.

શ્રી સેંગરે કહ્યું હતું કે ‘’મેં 2017માં ભવનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ડૉ. નંદકુમાર અને ગવર્નિંગ કમિટીના સભ્યોને અપીલ કરી હતી કે જ્યાં સુધી સારી તબિયત છે ત્યાં સુધી ચેરમેન તરીકે અનુગામીને શોધો. પરંતુ તેઓએ મને જવા દીધો નહતો.”

તેમણે સમજાવ્યું હતું કે તેમનો ધર્માદા કાર્યો પ્રત્યેનો દૃષ્ટિકોણ ખૂબ જ ભારતીય છે કે “જો તમે સારા કાર્યમાં £5 નાખો છો, તો ભગવાન તમને £50 આપે છે. મારા બિઝનેસની સફળતા મારા જ્ઞાનને કારણે નહિં પરંતુ ભગવાનની દયાને કારણે છે.”

LEAVE A REPLY