ભારતના વિદેશ મંત્રી (EAM) ડૉ. એસ. જયશંકર મંગળવારે યુકે અને આયર્લેન્ડ સાથે દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા અને £41 બિલિયનના વેપાર સંબંધોને વેગ આપવા માટે છ દિવસની મુલાકાતે લંડન આવી પહોંચ્યા છે.
યુકે સરકારે બેલફાસ્ટ અને માન્ચેસ્ટરમાં બે નવા ભારતીય કોન્સ્યુલેટ ખોલવાના ભારતના નિર્ણયનું સ્વાગત કર્યું હતું. યુકે સરકારની પરિવર્તન યોજનાને પૂર્ણ કરીને આર્થિક વિકાસને વધારવા અને યુકેમાં વધુ પ્રાદેશિક ભારતીય રોકાણોને ટેકો આપવા માટે આ પગલું નક્કી કરાયું છે.
યુકે દ્વારા ૧૦૦ મિલિયન પાઉન્ડથી વધુના ભારતીય રોકાણ સોદાઓનું સ્વાગત કરાયું છે, જે રોજગારીનું સર્જન કરશે, વિકાસને મજબૂત બનાવશે અને કામ કરતા લોકોને તેમના ખિસ્સામાં વધુ પૈસા મૂકવામાં મદદ કરશે.
ડૉ. એસ. જયશંકર ચેવનિંગ હાઉસ ખાતે ફોરેન સેક્રેટરી ડેવિડ લેમી સાથે મુલાકાત કરશે અને યુકે-ભારત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ ધપાવશે. આ પરસ્પર આર્થિક વિકાસ, ટેકોનોલજીકલ ઇનોવેશન અને આબોહવા પરિવર્તન સહિત વૈશ્વિક પડકારો પર સહયોગને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેઓ યુક્રેન, મધ્ય પૂર્વ અને અન્ય વૈશ્વિક બાબતોમાં રશિયાના ચાલી રહેલા યુદ્ધ પર પણ ચર્ચા કરશે.
ડેવિડ લેમીએ કહ્યું હતું કે “દિલ્હીમાં વેપાર વાટાઘાટો ફરીથી શરૂ થયા પછી, ડૉ. જયશંકર અને હું ભારત સાથેના અમારા £૪૧ બિલિયનના વેપાર સંબંધોને સુપરચાર્જ કરી રહ્યા છીએ. અમારી ચર્ચા બંને અર્થતંત્રોને લાભ આપશે. બેલફાસ્ટ અને માન્ચેસ્ટરમાં નવા ભારતીય કોન્સ્યુલેટ ખોલવાથી યુકે-ભારત ભાગીદારી વધુ મજબૂત બનશે, જે પ્રાદેશિક આર્થિક સંબંધોને વેગ આપશે અને વિકાસ એજન્ડા પર પહોંચશે અને યુકેમાં મૂલ્યવાન ભારતીય સમુદાયને ટેકો આપશે.”
આ મુલાકાત યુકે અને ભારત વચ્ચે જીવંત પુલને પ્રકાશિત કરશે, જેમાં ચેવનિંગ હાઉસ ખાતે ચેવનિંગ વિદ્વાનો સાથે એક ખાસ રીસેપ્શનનો સમાવેશ થાય છે.
બુધવારે સાંજે, જયશંકર લંડનમાં ચેથામ હાઉસ થિંક ટેન્ક ખાતે ‘વિશ્વમાં ભારતનો ઉદય અને ભૂમિકા’ વિષય પર પ્રવચન આપનાર છે. ગુરુવારે, તેઓ ડબલિનમાં તેમના આઇરિશ સમકક્ષ સાઇમન હેરિસ અને આયર્લેન્ડમાં ભારતીય સમુદાયના સભ્યોને મળવાની અપેક્ષા છે. તો શુક્રવારે નોર્ધર્ન આયર્લેન્ડના બેલફાસ્ટમાં અને શનિવારે માન્ચેસ્ટરમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલનું ઉદ્ઘાટન કરશે. જયશંકર સાથે ઇન્ડો-પેસિફિક માટે યુકેના ફોરેન ઓફિસ મિનિસ્ટર કેથરિન વેસ્ટ જોડાય તેવી અપેક્ષા છે. 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સાથે એક ડાયસ્પોરા કાર્યક્રમ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમ ખાતે યોજાવાની અપેક્ષા છે.
