ગુજરાતી ભાષાના શિક્ષણ માટે વ્યાપક પ્રયાસો કરતા એમપી ગેરેથ થોમસ ખાસ એક-દિવસીય કોન્ફરન્સનું આયોજન 22 માર્ચ શનિવારના રોજ સેન્ટ્રલ લંડનમાં કરનાર છે.
યુકેમાં ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવા અને ભાષા શિક્ષણના તીવ્ર ઘટાડાને ઉલટાવી દેવા માટે સાથે મળીને કામ કરતા એમપી ગેરેથ થોમસ, ઇન્ડિયા ઓલ-પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ, ધ 1928 ઇન્સ્ટિટ્યૂટ અને યુસીએલની ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સોસાયટી, પરીક્ષા બોર્ડ પીયર્સન યુકે, ગુજરાતી શિક્ષકો અને દેશભરના અન્ય રસ ધરાવતા પ્રેક્ટિશનરોને યુકેમાં ગુજરાતી શિક્ષણને આગળ વધારવા માટે કેવી રીતે પ્રોત્સાહન અને સહયોગ કરવો તે અંગે ચર્ચા કરવા માટે એકસાથે આવી રહ્યા છે.
હાઉસ ઓફ કોમન્સ લાઇબ્રેરીના તાજેતરના આંકડા દર્શાવે છે કે છેલ્લા 10 વર્ષમાં GCSEમાં ગુજરાતી ભાષાની પરિક્ષા આપતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 44%નો ઘટાડો થયો છે.
હેરો વેસ્ટના સાંસદ ગેરેથ થોમસે કહ્યું હતું કે “ભારતીય અર્થતંત્રના વૈશ્વિક મહત્વને જોતાં, તે દુઃખદ લાગે છે કે આધુનિક ભારતની ભાષાઓ, જેમાં ગુજરાતીનો પણ સમાવેશ થાય છે, તેના શિક્ષણમાં આટલો મોટો ઘટાડો જોયો છે. યુકેના બિઝનેસીસ અને સમુદાયો માટે આ મહત્વપૂર્ણ સમુદાય ભાષાઓ બોલી શકે તેવા લોકો હોવા જરૂરી છે. મને આશા છે કે આ પરિષદ આ ઘટાડાને ઉલટાવી દેવા અને યુકેમાં ગુજરાતી શિક્ષણને પ્રોત્સાહન આપવા તરફનું પ્રથમ પગલું હશે.”
યુકેમાં GCSEમાં ગુજરાતી પરિક્ષા માટે બેસેલા વિદ્યાર્થીઓ
વર્ષ | વિદ્યાર્થીઓ |
૨૦૧૩ | ૫૪૨ |
૨૦૧૪ | ૬૨૫ |
૨૦૧૫ | ૫૬૩ |
૨૦૧૬ | ૬૫૧ |
૨૦૧૭ | ૫૧૭ |
૨૦૧૮ | ૫૪૫ |
૨૦૧૯ | ૫૦૮ |
૨૦૨૦ | ૨૪૩ |
૨૦૨૧ | ૨૪૮ |
૨૦૨૨ | ૨૭૦ |
૨૦૨૩ | ૩૧૨ |
૨૦૨૪ | ૩૦૫ |
૨૦૧૩થી ૨૦૨૪માં ૪૪%મો ઘટાડો થયો હતો.
સ્ત્રોત: જોઈન્ટ કાઉન્સિલ ફોર ક્વોલિફિકેશન્સ (JCQ), અન્ય GCSE MFL એન્ટ્રીઝ 2024
