સિએટલમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે નોન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન મોન્ટાના વર્લ્ડ અફેર્સ કાઉન્સિલની ભાગીદારીમાં મિસૌલાની યુનિવર્સિટી ઓફ મોન્ટાના ખાતે 2-4 માર્ચ દરમિયાન ‘ભારતીય સિનેમા ફેસ્ટિવલ’નું આયોજન કર્યું હતું.
આ ફેસ્વિલમાં 33 શાળાઓના 500થી વધુ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. યુનિવર્સિટી ઓફ મોન્ટાનાના યુનિવર્સિટી સેન્ટર થિયેટરમાં “ઈંગ્લિશ વિંગ્લિશ”, “જિંદગી ના મિલેગી દોબારા” અને “રક્ષા બંધન” જેવી ફિલ્મોનું સ્ક્રીનિંગ કરાયું હતું.
ફિલ્મ ફેસ્ટિવલના ઉદઘાટન સમારોહમાં સિએટલ ખાતેના ભારતના કોન્સલ જનરલ પ્રકાશ ગુપ્તા, હેલેનાના મેયર વિલ્મોટ કોલિન્સ અને વર્લ્ડ અફેર્સ કાઉન્સિલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નિક્કી ગીઝલર સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી.
સિએટલમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે મંગળવારે જારી કરેલી પ્રેસ રીલીઝ અનુસાર, ફિલ્મ ફેસ્ટિવલનો હેતુ મોન્ટાનાના હાઇસ્કૂલ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ભારતીય સિનેમાના માધ્યમથી ભારતની સમૃદ્ધિ અને સાંસ્કૃતિક વિવિધતાની વધુ સારી સમજ આપવાનો છે.
