યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 4 માર્ચ, 2025ના રોજ કેપિટોલના હાઉસ ચેમ્બરમાં કોંગ્રેસના સંયુક્ત સત્રમાં સંબોધન કર્યું હતું. REUTERS/Evelyn Hockstein

અમેરિકાની સંસદના સંયુક્ત સત્રમાં સંબોધન કરતાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ભારત અને બીજા દેશો દ્વારા લાદવામાં આવતી ઊંચી ટેરિફની આકરી નિંદા કરી હતી તથા જે દેશો અમેરિકાની પ્રોડક્ટ્સ પર ટેરિફ લાદે છે તે દેશો સામે 2 એપ્રિલથી વળતી ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી.

વ્હાઇટ હાઉસમાં બીજા કાર્યકાળ અમેરિકાની સંસદના સંયુક્ત સત્રમાં ટ્રમ્પનું  આ પ્રથમ સંબોધન હતું. ટ્રમ્પે જણાવ્યું હતું કે જો તમે અમેરિકામાં તમારી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતાં નથી તો ટ્રમ્પ વહીવટીતંત્ર હેઠળ તમારે ટેરિફ ચુકવવી પડશે અને કેટલાંક કિસ્સામાં તે ઘણી ઊંચી હશે. બીજા દેશોએ દાયકાઓથી અમારી સામે ટેરિફનો ઉપયોગ કર્યો છે અને હવે આ દેશો સામે તેનો ઉપયોગ કરવાનો અમારો વારો છે. યુરોપિયન યુનિયન, ચીન, બ્રાઝિલ, ભારત, મેક્સિકો અને કેનેડા અને અસંખ્ય અન્ય રાષ્ટ્રો અમેરિકા વસૂલ કરે છે તેના કરતાં ઘણી ઊંચી ટેરિફ વસૂલ કરે છે. તે ખૂબ જ અયોગ્ય છે. ભારત અમારી પાસેથી 100 ટકાથી વધુ ઓટો ટેરિફ વસૂલે છે.

ફેબ્રુઆરીમાં પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે તેમનું વહીવટીતંત્ર ટૂંક સમયમાં ભારત અને ચીન જેવા દેશો પર પારસ્પરિક ટેરિફ લાદશે. તેમણે ગયા મહિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુએસ રાજધાનીની મુલાકાત દરમિયાન તેનું પુનરાવર્તન કર્યું હતું. ટ્રમ્પે વડા પ્રધાન મોદીને સ્પષ્ટ કર્યું છે કે ભારતને વોશિંગ્ટનના પારસ્પરિક ટેરિફથી બક્ષવામાં આવશે નહીં અને ભાર મૂક્યો છે કે ટેરિફ માળખા પર કોઈ મારી સાથે દલીલ કરી શકશે નહીં.

ટ્રમ્પે જણાવ્યું હતું કે આપણી પ્રોડક્ટ્સ પર ચીનની સરેરાશ ટેરિફ આપણે લાદીએ છીએ તેના કરતાં બમણી છે. દક્ષિણ કોરિયાની સરેરાશ ટેરિફ ચાર ગણી વધારે છે. અમે દક્ષિણ કોરિયાને લશ્કરી અને બીજી ઘણી રીતે ઘણી મદદ કરીએ છીએ. પરંતુ આવું જ થાય છે. આ મિત્ર અને દુશ્મન દ્વારા થઈ રહ્યું છે. અમે હવે આવું થવા દઈશું નહીં.

આ સિસ્ટમ અમેરિકા માટે ક્યારેય વાજબી નથી તેવું ભારપૂર્વક જણાવીને તેમણે 2 એપ્રિલથી  પારસ્પરિક ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. રિપબ્લિકન સાંસદોએ તાળીઓના ગડગડાટ સાથે ટ્રમ્પની જાહેરાતને વધાવી લીધી હતી.

ભૂતકાળમાં, ટ્રમ્પે ભારતને “ટેરિફ કિંગ” અને “મોટા દુરુપયોગકર્તા” દેશ ગણાવ્યો હતો.

ભારતના વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ તેમના યુએસ સમકક્ષ હોવર્ડ લ્યુટનીક સાથે વેપાર વાટાઘાટો માટે વોશિંગ્ટનમાં છે ત્યારે ટ્રમ્પે આ જાહેરાત કરી હતી.

અમેરિકાના અનુમાન મુજબ, 2024માં ભારત સાથે અમેરિકાએનો કુલ ગૂડ્સ વેપાર 129.2 બિલિયન ડોલરનો હતો. ભારતમાં 2014માં અમેરિકાની પ્રોડક્ટ્સની નિકાસ અગાઉના વર્ષની સરખામણીમાં 3.4 ટકા વધીને 41.8 બિલિયન ડોલર થઈ હતી. આની સામે ભારતની અમેરિકા ખાતેની ગૂડ્સ નિકાસ 4.5 ટકા વધીને 87.4 અબજ ડોલર થઈ હતી. ભારત સાથે અમેરિકાની વેપાર ખાધ 2024માં 45.7 અબજ ડોલર રહી હતી, જે 2023ની સરખામણીમાં 5.4 ટકાનો વધારો દર્શાવે છે.

 

LEAVE A REPLY