FILE PHOTO: REUTERS/Brian Snyder/File Photo

ઓવલ ઓફિસમાં યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડીમીર ઝેલેન્સ્કી સાથે અભૂતપૂર્વ જીભાજોડી કર્યાના થોડા દિવસોમાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તાત્કાલિક અસરથી યુક્રેનને તમામ અમેરિકન સૈન્ય સહાયની ડિલિવરી અસ્થાયી રૂપે સ્થગિત કરી હતી.

ટ્રમ્પ વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને મીડિયા રીપોર્ટમાં જણાવાયું હતું કે ટ્રમ્પે યુક્રેનને તમામ લશ્કરી સહાયની ડિલિવરી અસ્થાયી રૂપે સ્થગિત કરી છે અને આ આદેશ તરત જ અમલમાં આવે છે. તેનાથી આશરે એક બિલિયન ડોલરથી વધુના શસ્ત્રો અને દારૂગોળોના લશ્કરી સહાયને અસર થશે.

અહેવાલમાં જણાવાયું હતું કે અમેરિકાના નેતાઓ અને વરિષ્ઠ રાષ્ટ્રીય સુરક્ષા સહાયકો વચ્ચે વ્હાઇટ હાઉસ ખાતે શ્રેણીબંધ બેઠકોને પગલે યુક્રેનને સહાય અટકાવવાનો નિર્ણય કરાયો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે યુક્રેન રશિયા સાથે શાંતિ વાટાઘાટો માટે પ્રતિબદ્ધતા ન દર્શાવે ત્યાં સુધી આ સહાય બંધ રહેશે.

યુક્રેન સિક્યોરિટી આસિસ્ટન્ટ ઇનિશિયેટિવ મારફતની લાખ્ખો ડોલરની સહાય પણ સ્થગિત કરાઈ છે. આ પ્રોગ્રામ હેઠળ યુક્રેન અમેરિકાની ડિફેન્સ કંપનીઓ મારફત નવા મિલિટરી હાર્ડવેરની ખરીદી કરે છે.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ, રશિયાએ 24 ફેબ્રુઆરી, 2022ના રોજ યુક્રેન પર આક્રમણ શરૂ કર્યું ત્યારથી વોશિંગ્ટને અત્યાર સુધીમાં 65.9 બિલિયન ડોલરની સૈન્ય સહાય પૂરી પાડી છે.

LEAVE A REPLY