કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. શમા મોહમ્મદે સોશિયલ મીડિયા પોસ્ટમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અંગે વાંધાજનક ટીપ્પણી કરતાં મોટો વિવાદ ઊભો થયો હતો. કોંગ્રેસી નેતાએ જણાવ્યું હતું કે રોહિત એક ખેલાડી તરીકે જાડિયો છે. વજન ઘટાડવાની જરૂર છે. અને હાં, ભારતનો અત્યાર સુધીનો સૌથી નિરાશાજનક કેપ્ટન છે. ભાજપ સહિતના પક્ષોએ આ ટીપ્પણીની આકરી પ્રતિક્રિયા આપી હતી અને માફીની માગણી કરી હતી. બીજી તરફ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પણ આ ટીપ્પણીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી.
વિવાદ ઊભો થતાં કોગ્રેસના હાઇકમાન્ડના આદેશને પગલે શમાએ પોતાની આવી પોસ્ટને ડિલિટ કરી હતી. જોકે આ ટીપ્પણીને પગલે આક્રોશ ફેલાયો હતો. કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ કહ્યું હતું કે પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. શમા મોહમ્મદે ક્રિકેટના એક દિગ્ગજ ખેલાડીને લઈને અમુક નિવેદન આપ્યાં હતાં, જે પાર્ટીના વલણ સાથે મેળ ખાતાં નથી.
જોકે ભાજપ નેતા રાધિકા ખેડાએ જણાવ્યું હતું કે ‘કોંગ્રેસ પ્રવક્તાએ રોહિત શર્માનું બોડી શેમિંગ કર્યું, જે દુ:સાહસ છે. આ તે કોંગ્રેસ છે, જેણે દાયકા સુધી એથલીટ્સને અપમાનિત કર્યા, તેમને ઓળખ આપી નહીં અને હવે એક ક્રિકેટ દિગ્ગજની મજાક ઉડાવવાની હિંમત કરી રહી છે?
