ભૂતપૂર્વ વિશ્વ સુંદરી સુસ્મિતા સેન 49 વર્ષની થઈ ગઈ છે પણ તેનો દેખાવ હજુ પણ એકદમ યુવાન છે. તે સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે સંપર્કમાં રહે છે. તેણે ચાહકો સાથે એક સેશનમાં પોતાના દિલની વાત કરીને જણાવ્યું કે તે લગ્ન કરવા ઇચ્છે છે, પરંતુ એ માટે યોગ્ય જીવનસાથી મળશે તો તે જરૂર આગળ વધશે.
હકીકતમાં ઇન્સ્ટાગ્રામ પર લાઇવ સેશન દરમિયાન સુસ્મિતા સેને જણાવ્યું કે, તે જયપુરમાં એક લગ્નમાં હાજરી આપવા ગઈ હતી. આ સાંભળીને એક યુઝરે સુસ્મિતાને તેનાં લગ્નના પ્લાનિંગ વિશે સવાલ કર્યો. આ સવાલના જવાબમાં સુસ્મિતાએ કહ્યું કે ‘હું પણ લગ્ન કરવા ઇચ્છું છું, પરંતુ લગ્ન માટે કોઈ લાયક મળવું તો જોઈએ. લગ્ન કરવાનું સરળ નથી. કહેવાય છે કે દિલનો સંબંધ ખૂબ જ રોમેન્ટિક રીતે બને છે. આ મેસેજ દિલ સુધી પહોંચવો જોઈએ. આવું થશે ત્યારે હું પણ લગ્ન કરીશ.’
સુસ્મિતાનું અંગત જીવન ચર્ચાસ્પદ રહ્યું છે. તેણે મોડેલ રોહમન શૉલ સાથે અઢી વર્ષ સુધી ડેટિંગ કર્યું હતું. ખાસ વાત તો એ છે કે બન્નેની ઉંમરમાં 15 વર્ષનો તફાવત હતો, સુસ્મિતા તેનાથી મોટી હતી. આમ છતાં બન્ને લિવ-ઇન રિલેશનશિપમાં પણ હતાં, પરંતુ 2021માં તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. જોકે બન્ને હજી પણ ઘણી વખત સાથે જોવા મળે છે. ત્યાર પછી 2022માં સુસ્મિતાનું નામ IPLના સ્થાપક અને ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ લલિત મોદી સાથે જોડાયું હતું.
લલિત મોદીએ ઇન્સ્ટાગ્રામ પર બન્નેના ઘણા ફોટો શૅર કર્યા અને ઍક્ટ્રેસને તેની પત્ની કહી હતી. જોકે થોડા સમય પછી બન્નેનો સંબંધ તૂટી ગયો હતો. સુસ્મિતાએ એક ઇન્ટરવ્યુમાં આ સંબંધ વિશે વાત કરી હતી અને એને ફક્ત એક તબક્કો ગણાવ્યો હતો. સુસ્મિતા આ સિવાય ભૂતકાળમાં ઘણા લોકો સાથે રીલેશનશિપમાં રહી ચૂકી હોવાનું કહેવાય છે.
