સંબંધોમાં સુધારો કરવા માટેની અમેરિકા સાથેની બીજા રાઉન્ડની મંત્રણામાં રશિયાએ વોશિંગ્ટન સાથે સીધો હવાઈ સંપર્ક પુનઃસ્થાપિત કરવાની ઓફર કરી હતી. ઇસ્તંબુલમાં બંને દેશોના વરિષ્ઠ રાજદ્વારીઓની બેઠકોમાં બંને દેશો રાજદ્વારી સેવાઓ બહાલ કરવા માટે પણ સંમત થયાં હતાં.
રશિયા અને યુએસના રાજદ્વારીઓએ સંબંધિત દૂતાવાસની કામગીરીને સામાન્ય બનાવવાની ચર્ચાવિચારણા કરવા માટે ગુરુવારે ઇસ્તંબુલમાં બેઠક યોજી હતી. અહીં ઉલ્લેખનીય છે કે યુક્રેન યુદ્ધ પછી બંને દેશોએ એકબીજાના રાજદ્વારીઓની હકાલપટ્ટી કરી હતી અને તેનાથી રાજદ્વારી સેવાઓ ખોરવાઈ ગયેલી છે.
વાટાઘાટોને મહત્ત્વપૂર્ણ અને વ્યાપાર જેવી ગણાવીને રશિયાના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બંને દેશોના રાજદ્વારીઓ એકબીજાના દેશોમાં સત્તાવાર ફરજો નિભાવી શકે તે માટેનું યોગ્ય વાતાવરણ ઊભું કરવા સંયુક્ત પગલાં પર સંમતિ સધાઈ છે. પરસ્પરના રાજદ્રારીઓને પ્રવૃત્તિઓ માટે અવિરત નાણા મળતા રહે તેની પણ સંમતિ સધાઈ હતી. રશિયાએ અમેરિકાને સીધા હવાઈ ટ્રાફિકને પુનઃસ્થાપિત કરવાની સંભાવનાને ધ્યાનમાં લેવાની પણ દરખાસ્ત કરી હતી. જોકે આ મુદ્દે વોશિંગ્ટન તરફથી તાકીદે કોઇ પ્રતિક્રિયા આવી ન હતી.
રશિયાએ 24 ફેબ્રુઆરી 2022ના રોજ યુક્રેન પર આક્રમણ કર્યા પછી યુએસ અને અન્ય પશ્ચિમી દેશોએ મોસ્કો પર ઘણા પ્રતિબંધો લાદ્યા હતાં. આ પ્રતિબંધોને ભાગરૂપે હવાઈ સંપર્કો પણ કાપી નાખ્યાં છે.
અમેરિકામાં ટ્રમ્પ સત્તા પર આવ્યા પછી બંને દેશોના સંબંધોમાં સુધારો થઈ રહ્યો છે. અગાઉ ટ્રમ્પે રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાતચીત કરી હતી. આ ઉપરાંત આ મહિનાની શરૂઆતમાં સાઉદી અરેબિયામાં બંને દેશોના વરિષ્ઠ રાજદ્વારીઓ વચ્ચે વાટાઘાટો થઈ હતી. રિયાધમાં મોસ્કો અને વોશિંગ્ટન યુક્રેનમાં લડાઈ સમાપ્ત કરવા તથા તેમના રાજદ્વારી અને આર્થિક સંબંધો સુધારવા માટે કામ શરૂ કરવા સંમત થયાં હતાં. તેમાં દૂતાવાસોમાં સ્ટાફને પુનઃસ્થાપિત કરવાનો સમાવેશ થાય છે.
અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું હતું કે ઇસ્તંબુલમાં ગુરુવારની વાટાઘાટો દરમિયાન યુએસ પ્રતિનિધિમંડળે “બેંકિંગ અને કરાર સેવાઓની સુલભતા તેમજ મોસ્કોમાં યુએસ એમ્બેસીમાં સ્થિર અને ટકાઉ સ્ટાફિંગ સ્તરને સુનિશ્ચિત કરવાની જરૂરિયાતનો મુદ્દો ઉઠાવ્યો હતો.
