(Photo by STRDEL/AFP via Getty Images)

સામાન્ય રીતે ભારતીય ફિલ્મોને હોલીવૂડની સરખામણીએ ઉતરતી કક્ષાની માનવામાં આવે છે. હોલીવૂડ જેવી ફિલ્મો બોલીવૂડમાં નહીં બનતી હોવાનો અફસોસ પણ ઘણાં લોકો કરે છે. હોલીવૂડની મોટા બજેટની ફિલ્મોમાં ભારતીય કલાકારોને રોલ મળે એટલે લોકો ખુશ થાય છે. પરંતુ હવે એક અનોખી ઘટનામાં હોલીવૂડની મોટા બજેટની ફિલ્મ માટે સલમાન ખાન અને સંજય દત્તની મદદ લેવામાં આવી છે. આ બંને ઉંમરની દૃષ્ટિએ સીનિયર સિટિઝન થવાની તૈયારીમાં છે, પરંતુ તેમના ચાહકો વિશ્વભરમાં છે અને તેમની વચ્ચે મિત્રતા પણ ઘણી સારી છે. વર્ષો અગાઉ તેમણે ‘સાજન’, ‘યે હૈ જલવા’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. હવે તેઓ એક અમેરિકન થ્રિલર ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સલમાન ખાન અને સંજય દત્ત ગત મહિને થોડા દિવસ માટે સાઉદી અરેબિયા ગયા હતા અને ત્યાં તેમણે આ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. આ ફિલ્મમાં તેમનો કેમિયો છે. અમેરિકામાં થોડા સમય પહેલા શરૂ થયેલા પ્રોડક્શન હાઉસ દ્વારા આ ફિલ્મ બની રહી છે.

ફિલ્મના મેકર્સ અને બંને કલાકારો દ્વારા આ પ્રોજેક્ટ અંગે કોઇ માહિતી અપાઈ નથી. જોકે, ફિલ્મમાં તે બંનેના અસરકારક કેમિયો હોવાનું કહેવાય છે. સલમાન અને સંજયને સ્ક્રિન પર સાથે લાવવાનું કારણ આપતાં સૂત્રોએ જણાવ્યું હતું કે, તેઓ બોલીવૂડ ઉપરાંત મિડલ ઈસ્ટમાં પણ ખૂબ લોકપ્રિય છે. સાઉદી અરેબિયામાં આવેલું અલુલા તેના ડેઝર્ટ લેન્ડસ્કેપ અને પ્રાચીન સ્થાપત્યો માટે જાણીતું છે. ગેરાડ્ર બટલરની સ્પાય થ્રિલર ‘કંધાર’ સહિત અનેક હોલીવૂડ ફિલ્મોના ત્યાં શૂટિંગ થયા છે.

સલમાન ખાનનું આ પ્રોજેક્ટ સાથે હોલીવૂડમાં પદાર્પણ થઇ રહ્યું છે. સૂત્રો કહે છે કે, 2021માં રિલીઝ થયેલી આર્જેન્ટિનિયન ફિલ્મ સેવન ડોગ્સની રીમેક બની રહી છે. ફિલ્મમાં સલમાનનો ફર્સ્ટ લૂક ઓનલાઈન લીક થઈ ગયો હતો.

આ ફિલ્મના સેટ પર મુંબઈની ધારાવી જેવો સ્લમ વિસ્તાર ઊભો કરવામાં આવ્યો હતો.
સલમાન અને સંજય છેલ્લે અજય દેગવનની ફિલ્મ ‘સન ઓફ સરદાર’ના એક ગીતમાં સાથે જોવા મળ્યા હતા. 2012માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં સલમાન અને સંજયની જોડીએ ફિલ્મની સફળતામાં મહત્ત્વનું યોગદાન આપ્યુ હતું. સલમાન ખાને તાજેતરમાં સાજિદ નડિયાદવાલાની ફિલ્મ ‘સિકંદર’નું શૂટિંગ પૂરું કર્યું છે. ઈદ પર રિલીઝ થનારી આ ફિલ્મમાં રશ્મિકા મંદાના, કાજલ અગ્રવાલ, શરમન જોષી, સત્યરાજ સહિત અનેક જાણીતા કલાકારો છે. સંજય દત્ત આગામી સમયમાં સંજય માંજરેકર સાથે ‘વાસ્તવ’ની સીક્વલ શરૂ કરે તેવી શક્યતા છે.

LEAVE A REPLY