3 માર્ચના રોજ વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરાશે, જેનું વર્ષ 2025નું થીમ છે, ‘વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ફાઇનાન્સ: ઇન્વેસ્ટિંગ ઇન પીપલ એન્ડ પ્લેનેટ’ (વન્યજીવ સંરક્ષણ નાણા: લોકોમાં અને પૃથ્વી ગ્રહમાં રોકાણ). આ થીમ થકી વિશ્વ વન્યજીવ દિવસ વૈશ્વિક સંરક્ષણ પ્રયાસોમાં ટકાઉ ભંડોળની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે. આ જ વિઝનને અનુરૂપ, ગુજરાતમાં કાર્યરત પ્રોજેક્ટ લાયન એક પરિવર્તનકારી પહેલ છે, જે એશિયાઇ સિંહોની વસ્તીના સંરક્ષણ અને સંવર્ધન માટે સમર્પિત પ્રોજેક્ટ છે, જે તેમના નિવાસસ્થાનના વ્યૂહાત્મક સંચાલન અને સામુદાયિક ભાગીદારી થકી સિંહોના લાંબાગાળાના અસ્તિત્વને સુનિશ્ચિત કરે છે.
ભારત સરકારના વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા કુલ રૂ. 2927.71 કરોડના બજેટ સાથે 10 વર્ષનો પ્રોજેક્ટ લાયન મંજૂર કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ એશિયાઇ સિંહોનું સંરક્ષણ અને સંવર્ધન સુનિશ્ચિત કરવાનો છે, જેમની કુલ વસ્તી, વર્ષ 2020ના વસ્તી ગણતરી અંદાજ મુજબ 674ની છે. હાલમાં, રાજ્યના 9 જિલ્લાના 53 તાલુકાઓમાં કુલ 30 હજાર ચોરસ કિમી વિસ્તારમાં સિંહોની વસ્તી જોવા મળે છે.
આ ઉપરાંત, રાજ્યમાં બરડા સ્થિત અભયારણ્યમાં 8 સિંહોની વસ્તી સ્થાયી થઈ હોવાથી બરડા અભયારણ્યને આ પ્રોજેક્ટ હેઠળ સિંહોના ‘સેકન્ડ હોમ’ (બીજું ઘર) તરીકે વિકસિત કરવાનું આયોજન હતું. તાજેતરમાં, બરડા વન્યજીવ અભયારણ્યમાં એશિયાઇ સિંહોના કુદરતી ફેલાવા અને સફળ સંવર્ધનને કારણે, બરડા આજે સિંહોનું બીજું ઘર તરીકે ઉભરી આવ્યું છે, અને આજે બરડા વિસ્તારમાં 17 સિંહો વસવાટ કરે છે, જેમાં 6 વયસ્ક સિંહ છે અને 11 બાળસિંહ છે. પ્રોજેક્ટ લાયનમાં સિંહના નિવાસસ્થાન અને વસ્તી પ્રબંધન, વન્ય પ્રાણી આરોગ્ય, માનવ અને પ્રાણી ઘર્ષણ, સ્થાનિક લોકોનો સહકાર, પર્યટન વિકાસ, વૈજ્ઞાનિક સંશોધન, તાલીમ, ઇકો ડેવલપમેન્ટ તેમજ જૈવ વિવિધતા સંરક્ષણ જેવી બાબતોને આવરી લેવામાં આવી છે.
