ફ્રાન્સ અને બ્રિટને તાજેતરમાં ગેરકાયદે ચેનલ પાર કરવાની સામેની લડત વધારવાનો સંકલ્પ લીધો હતો. બંને દેશોએ 2027 સુધીમાં આ મહત્ત્વની સરહદ સુરક્ષા સમજૂતીને લંબાવવા સહમતી દર્શાવી હતી. ફ્રાન્સના ગૃહ પ્રધાન બ્રુનો રીટેઇલ્યુ અને બ્રિટિશ હોમ સેક્રેટરી વેટ્ટ કૂપરે નોર્થ ફ્રાન્સના લે ટુક્વેટ રીસોર્ટની મુલાકાત લઇને સરહદી સુરક્ષા મુદ્દે બંને દેશો વચ્ચે એકમત દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. ફ્રાન્સના કટ્ટરપંથી ગૃહ પ્રધાને સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, “જ્યારે નાણાની વાત આવે ત્યારે અમારી ચર્ચા થોડી કઠીન હોય છે. અમે અમારા ઉદ્દેશ્યો પર એકમત છીએ અને અંતે અમે હંમેશા કોઈ સમજૂતી પર પહોંચવામાં સફળ રહીએ છીએ.” નિષ્ણાતો કહે છે કે, વિદેશીઓ દ્વારા ગેરકાયદે સરહદ પાર કરવાનો મુદ્દો લાંબા સમયથી બ્રિટન અને ફ્રાન્સ વચ્ચેના સંબંધોમાં અડચણરૂપ રહ્યો છે.
