ખાદ્ય બિલ અને ઇંધણના ખર્ચમાં વધારાને કારણે યુકેમાં વાર્ષિક CPI ફુગાવાનો દર 10 મહિનાની ટોચે 3% એ જઇ પોહંચતા બેંક ઓફ ઇંગ્લેન્ડ વધુ મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે જેના કારણે આગામી મહિને વ્યાજ દરમાં ઘટાડાની શક્યતા ઓછી થઈ છે.
ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ONS)ના અહેવાલ મુજબ, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) જાન્યુઆરીમાં વધીને 3% થયો હતો. જે ડિસેમ્બરમાં 2.5% હતો. જો કે અર્થશાસ્ત્રીઓએ જાન્યુઆરીના ફુગાવાના દરમાં નાના વધારા સાથે ફુગાવાનો દર 2.8% થવાની અપેક્ષા રાખી હતી.
ONS એ જણાવ્યું હતું કે માંસ, બ્રેડ અને અનાજના ભાવમાં ઉછાળાથી ખાદ્ય બિલમાં વધારો થયો છે. સરકાર દ્વારા VAT મુક્તિ પાછી ખેંચી લેવામાં આવ્યા પછી ખાનગી શાળાની ફીમાં વધારો થવાથી શિક્ષણ સેવાઓનો ખર્ચ વધ્યો છે.
પેન્શન બિઝનેસ ફીનિક્સ ગ્રુપના ડિરેક્ટર ડીન બટલરે જણાવ્યું હતું કે “આ વર્ષની શરૂઆતમાં અપેક્ષા કરતા વધુ ઝડપથી વધીને જાન્યુઆરીમાં ફુગાવો 3% સુધી વધવાથી, 2025માં નીચા ફુગાવા અને નીચા વ્યાજ દરની અગાઉની અપેક્ષાઓને વધુ એક ફટકો પડ્યો છે. ફુગાવાના દરમાં વધારો બેંક ઓફ ઇંગ્લેન્ડને આ વર્ષે વધુ વ્યાજ દર ઘટાડવાથી અટકાવશે. જો કે નિષ્ણાંતો આ વર્ષે વ્યાજના બેઝ રેટમાં વધુ બે ટકાના ઘટાડાની અપેક્ષા રાખે છે. બેંક ઓફ ઇંગ્લેન્ડે આ મહિનાની શરૂઆતમાં વ્યાજનો બેઝ રેટ 4.5% કર્યો હતો.’’
બેંક ઓફ ઇંગ્લેન્ડના નિષ્ણાંતોએ આગાહી કરી છે કે આ વર્ષે ફુગાવો વધીને 3.7% થશે.
બ્રિટિશ ચેમ્બર્સ ઓફ કોમર્સે જણાવ્યું હતું કે “આજનો ડેટા અર્થતંત્રમાં હાલમાં ફુગાવાના દબાણ અને બિઝનેસીસ જે વાસ્તવિક પડકારોનો સામનો કરી રહ્યા છે તે દર્શાવે છે. કંપનીઓને નોંધપાત્ર ખર્ચના બોજનો સામનો કરવો પડી રહ્યો છે જે ફુગાવાને વધુ વેગ આપવાનો ભય ધરાવે છે.”
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ રિસર્ચએ આગાહી કરી હતી કે જાન્યુઆરીમાં ફુગાવામાં વધારો ક્ષણિક રહેવાની શક્યતા છે અને આગામી મહિનાઓમાં તે ફરીથી ઘટવાની અપેક્ષા છે.”
