(istockphoto.com)

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે 4 માર્ચથી કેનેડા અને મેક્સિકો પર 25 ટકા ટેરિફ લાદવાનો તથા ચીનથી થતી આયાત પરની સાર્વત્રિક ટેરિફને બમણી કરવાની યોજના બનાવી છે. ટ્રમ્પ વહીવટીતંત્રે કાર સહિત યુરોપિયન યુનિયનના દેશોની પ્રોડક્ટ્સ પર 25 ટકા ટેરિફ લાદવાનો નિર્ણય પણ કર્યો છે. અમેરિકા પર દબાણ લાવવા માટે યુરોપના 27 દેશોના યુનિયનની રચના કરાઈ હોવાનો તેમને આક્ષેપ કર્યો હતો.

ગુરુવારે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ ટ્રમ્પે જણાવ્યું હતું કે ફેન્ટાનાઇલ જેવી ગેરકાયદેસર ડ્રગ્સની અમેરિકામાં અમર્યાદ દાણચોરી થઈ રહી છે અને આયાત ટેક્સથી બીજા દેશો પર આવી દાણચોરી પર કડક કાર્યવાહી કરવાનું દબાણ આવશે. અમે આ દુષણથી અમેરિકાને નુકસાન થાય તેવું ચાલુ રાખી શકીએ નહી, તેથી જ્યાં સુધી તે બંધ ન થાય, અથવા મર્યાદિત ન થાય ત્યાં સુધી 4 માર્ચથી સૂચિત ટેરિફ અમલી બનશે. તે જ તારીખથી ચીન પર વધારાની 10 ટકા ટેરિફ વસૂલવામાં આવશે.

સરહદ પરના અંકુશમાં પ્રગતિને કારણે મેક્સિકો અને કેનેડા પર ટેરિફમાં વિલંબ ચાલુ રહેશે કે નહીં તેવા સવાલના જવાબમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ ટેરિફને અમલી બનાવતા અટકાવશે નહીં. ફેન્ટાનીલના પ્રવાહને કારણે લાખો મૃત્યુ થયા છે.

અગાઉ મેક્સિકો અને કેનેડા પરની ટેરિફમાં એક મહિનાનો વિલંબ કરાઈને 4 માર્ચની તારીખ નક્કી કરાઈ હતી. જોકે એવી શરત રખાઈ હતી કે બંને દેશો અમેરિકામાં ફેન્ટાનાઇલની એન્ટ્રીને અટકાવવા માટે ટ્રમ્પને સંતોષ થાય તેવા પગલાં લેશે. આ અંગે ટ્રમ્પે જણાવ્યું હતું કે આ દેશોના પગલાંથી તેમને સંતોષ થયો નથી. વેપાર પ્રધાન હોવર્ડ લ્યુટનીકે જણાવ્યું હતું કે વધુ દેશો સામે ટેરિફ પગલાં 2 એપ્રિલે અમલી બનશે.

ટેરિફ વોરથી વૈશ્વિક અર્થતંત્રમાં ઉથલપાથલ મચશે. જો અમેરિકા તેના બે સૌથી મોટા વેપાર ભાગીદાર કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદશે તો ઓટો ક્ષેત્રને સૌથી વધુ અસર થવાની ધારણા છે. તેનાથી ફુગાવામાં પણ વધારો થવાનું જોખમ છે. ઊંચા ભાવ અને ધીમી આર્થિક વૃદ્ધિથી ટ્રમ્પને પણ રાજકીય ફટકો પડી શકે છે.

વ્હાઉટ હાઉસ કેબિનેટ મીટિંગ ખાતે ટ્રમ્પે યુરોપ અંગે જણાવ્યું હતું કે અમે એક નિર્ણય કર્યો છે. અમે ખૂબ જ ટૂંક સમયમાં તેની જાહેરાત કરીશું અને સામાન્ય રીતે કહીએ તો તે 25 ટકા હશે, અને તે કાર અને અન્ય તમામ પ્રોડક્ટ્સ પર હશે. યુરોપિયન યુનિયને અમેરિકાનો ફાયદો ઉઠાવ્યો છે. તેઓ અમારી કાર સ્વીકારતા નથી, તેઓ અમારી ખેત પેદાશોને સ્વીકારતા નથી. તેઓ તમામ પ્રકારના બહાના કાઢે છે. અમે તેમનું બધું સ્વીકારીએ છીએ. યુરોપિયન યુનિયન સાથે અમારી વેપાર ખાધ આશરે 300 બિલિયન ડોલર છે.

LEAVE A REPLY