અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે સૂચિત ‘ગોલ્ડ કાર્ડ’ પહેલ હેઠળ અમેરિકન કંપનીઓ હાર્વર્ડ અને સ્ટેનફોર્ડ જેવી ટોચની યુએસ યુનિવર્સિટીમાંથી ભારતીય સ્નાતકોને નોકરી પર રાખી શકશે. કોઈ પણ કંપની ગોલ્ડ કાર્ડ ખરીદી શકે છે અને તેનો ઉપયોગ આ ભરતી મામલે કરી શકે છે. કાર્ડ્સનું વેચાણ લગભગ બે અઠવાડિયામાં શરૂ થશે અને આવા લાખો કાર્ડ વેચવામાં આવશે.
ટ્રમ્પે બુધવારે ધનિક વિદેશીઓ માટે ‘ગોલ્ડ કાર્ડ’ યોજનાની જાહેરાત કરી અને ધનિક વિદેશીઓને 5 મિલિયન ડોલરની ફીના બદલામાં અમેરિકાની નાગરિકતા ઓફર કરી હતી.
ટ્રમ્પે જણાવ્યું હતું હાલની ઇમિગ્રેશન સિસ્ટમ ટોચની આંતરરાષ્ટ્રીય પ્રતિભાઓને, ખાસ કરીને ભારતની પ્રતિભાઓને યુએસમાં રહેવા અને કામ કરવાથી અવરોધે છે. કોઈ વ્યક્તિ ભારત, ચીન, જાપાન અને અન્ય દેશોમાંથી આવે છે, હાર્વર્ડ અથવા વ્હાર્ટન સ્કૂલ ઓફ ફાઇનાન્સમાં અભ્યાસ કરે છે… તેમને નોકરીની ઓફર મળે છે, પરંતુ તે વ્યક્તિ દેશમાં રહી શકશે કે કેમ તે અંગે કોઈ નિશ્ચિતતા ન હોવાથી ઓફર તરત જ રદ કરવામાં આવે છે. આને કારણે ઘણા પ્રતિભાશાળી સ્નાતકોને યુએસ છોડવાની ફરજ પડે અને તેઓ વતનમાં પરત જઇને સફળ ઉદ્યોગસાહસિક બને છે. તેઓ ભારત અથવા તેમના વતન પાછા ફરે છે, બિઝનેસ શરૂ કરે છે અને અબજોપતિ બની જાય છે તથા હજારોને રોજગારી આપે છે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે આ કાર્ડ સરકારના EB-5 ઇમિગ્રન્ટ ઇન્વેસ્ટર વિઝા પ્રોગ્રામનું સ્થાન લેશે. આ પ્રોગ્રામ વિદેશી રોકાણકારો યુએસ પ્રોજેક્ટ્સમાં નાણાંનું રોકાણ કરે છે અને નોકરીની તકો ઊભી કરે છે અને પછી અમેરિકાના વિઝા માટે અરજી કરે છે. EB-5 પ્રોગ્રામ 1992માં અમેરિકી સંસદે બનાવ્યો હતો.
