
લેબર પાર્ટી દ્વારા પ્રાઇવેટ સ્કૂલ ફી પર VAT લાદવાના નિર્ણય બાદ શ્રીમંત માતાપિતા તેમના બાળકોને ખાનગી શિક્ષણ આપવા માટે વિદેશ જવાનું વિચારી રહ્યા હોવાનું સાલ્ટસ વેલ્થ ઇન્ડેક્સ નામના હાઈ-નેટ-વર્થ વ્યક્તિઓના સર્વેમાં જાણવા મળ્યું છે.
£250,000થી વધુ રોકાણપાત્ર સંપત્તિ ધરાવતા 28 ટકાથી વધુ લોકોએ જણાવ્યું હતું કે તેઓ આગામી 12 મહિનામાં બ્રિટન છોડવાનું વિચારી રહ્યા છે. તેમાંથી, 15 ટકા લોકોએ ખાનગી શાળાઓની ફી પર લાદવામાં આવેલ VAT નો ઉલ્લેખ કર્યો હતો, જ્યારે અન્ય 15 ટકા લોકોએ કહ્યું હતું કે તેમને બ્રિટન પરિવારના ઉછેર માટે સારું સ્થળ નથી લાગતું.
સરકારનો દાવો છે કે આ નીતિ 2029-30 સુધીમાં દર વર્ષે £1.8 બિલિયનની રકમ સરકારી તિજોરીમાં જોડશે. જેનાથી સરકાર 6,500 વધારાના શિક્ષકોને ભંડોળ પૂરું પાડશે.
42 ટકા લોકોએ કહ્યું હતું કે VAT વધારાના સીધા પરિણામે તેમના બાળકોને વિક્ષેપનો સામનો કરવો પડશે. 11 ટકા લોકો બાળકોને સરકારી શાળાઓમાં તથા 10 ટકા સસ્તી ખાનગી શાળામાં મૂકવાનું વિચારી રહ્યા છે. સાત ટકા માતાપિતા બાળકોને ખાનગી શાળામાં રાખવા માટે વિદેશ જવાનું વિચારી રહ્યા છે, અને 4 ટકા ઘરેથી શિક્ષણ આપવાનું પસંદ કરી શકે છે. વધારાના 7 ટકા લોકોએ કહ્યું હતું કે બાળકોને ખાનગી શિક્ષણ આપવા તેમને પરિવાર અથવા મિત્રો પાસેથી નાણાકીય સહાયની જરૂર પડશે.
