કોરોના મહામારીનો કેર હજુ લોકો ભૂલી શક્યા નથી ત્યારે ચીનના વૈજ્ઞાનિકોની એક ટીમે એક નવા પ્રકારના કોરોના વાયરસની ઓળખ કરી છે. ચામાચીડિયામાં જોવા મળેલો આ વાયરસ પણ કોરોના વાયરસ જેટલો જ ખતરનાક છે અને તે પ્રાણીમાંથી માનવમાં ઝડપથી ફેલાય તેવું જોખમ છે. ચામાચીડિયાનો આ નવો કોરોનાવાયરસ કોવિડ -19નું કારણ બનેલા વાયરસ જેવા જ માર્ગ દ્વારા માનવ કોષોમાં પ્રવેશ કરી શકે છે.
કોરોના મહામારી પછી કુખ્યાત બનેલી વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (ડબ્લ્યુઆઇવી)ની વાઇરોલોજિસ્ટ શી ઝેંગલીના વડપણ હેઠળની ટીમે આ નવો બેટ કોરોના વાયરલ શોધ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે આ વુહાનની લેબોરેટરમાંથી વિશ્વભરમાં કોવિડ-19 મહામારી ફેલાઈ હોવાનું માનવામાં આવે છે. ચામાચીડિયામાંથી ફેલાતા વાયરલ માટેના રીસર્ચને કારણે શી ઝેંગલી ‘બેટવુમેન’ તરીકે ઓળખાય છે. આ નવો બેટ કોરોનાવાયરલ HKU5 કોરોના વાયરસનો નવો પ્રકાર છે. HKU5ની સૌ પ્રથમ ઓળખ હોંગકોંગમાં જાપાનીઝ હાઉસ બેટ તરીકે ઓળખતા ચામાચીડિયામાં થઈ હતી.
હોંગકોંગ સ્થિત સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટેના અહેવાલ મુજબ નવો વાયરસ મેરબેકોવાઈરસ સબજેનસમાંથી આવે છે, જેમાં મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (મર્સ)નું કારણ બનેલા વાયરસનો પણ સમાવેશ થાય છે.
વાયરસ હ્યુમન એન્જીયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ (ACE2) નામના બ્લડ પ્રેશરને અંકુશમાં રાખતા પ્રોટીન સાથે જોડાઈને શરીરમાં પ્રવેશ કરી શકે છે. કોરોના વાયરસ પણ માનવીય કોષોમાં ઇન્ફેક્શન ફેલાવવા માટે આ જ પ્રોર્ટીન સાથે જોડાતો હતો. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે ચામાચીડિયાના સેમ્પલમાંથી આ વાયરસને અલગ કરવામાં આવે છે ત્યારે તે માનવ કોષોમાં તથા કૃત્રિમ કોષો કે ટીશ્યૂને ચેપ લગાવી શકે છે.
આ મહિનાની શરૂઆતમાં ચીને જણાવ્યું હતું કે વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીએ ક્યારેય કોરોનાવાયરસના ‘ગેઇન ઓફ ફંક્શન’ અભ્યાસમાં રોકાયેલ નથી. ગેઇન-ઓફ-ફંક્શન સંશોધન એક પ્રકારનું મેડિકલ સંશોધન છે જે આનુવંશિક રીતે સજીવરચનાનેને એવી રીતે બદલી નાખે છે કે જે જીન પ્રોડક્ટ્સના જૈવિક કાર્યોમાં વધારો કરી શકે છે. તાજેતરના અમેરિકન મીડિયા અહેવાલો અનુસાર યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (યુએસએઆઇડી)એ કરદાતાઓના નાણાંનો ઉપયોગ ચીનની વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં આવા અભ્યાસ માટે કર્યો હતો.
