રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના નજીકના સહયોગી તરીકે ઓળખાતા કોંગ્રેસ નેતા સામ પિત્રોડા વિરુદ્ધ કર્ણાટક લોકાયુક્ત અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)માં રૂ.150 કરોડના બેંગલુરુ જમીન કૌભાંડમાં સોમવારે ફરિયાદ દાખલ કરાઈ હતી. ભાજપના વરિષ્ઠ નેતા અને કાર્યકર્તા એન આર રમેશે સહાયક દસ્તાવેજો સાથે ફરિયાદ નોંધાવી હતી.
રમેશે આરોપ મુક્યો છે કે સામ પિત્રોડા કર્ણાટકના વન વિભાગની રૂ.150 કરોડથી વધુની મિલકત સાથે સંકળાયેલા મોટા ગેરકાયદેસર જમીન કૌભાંડમાં સંડોવાયેલા છે. 23 ઓક્ટોબર, 1991એ સામ પિત્રોડાએ મુંબઈમાં ‘ફાઉન્ડેશન ફોર રિવાઈટલાઈઝેશન ઓફ લોકલ હેલ્થ ટ્રેડિશન’ (FRLHT) નામની સંસ્થાની નોંધણી કરાવી અને 2020માં રજિસ્ટ્રેશન રદ કરાવ્યું હતું.
જોકે 2008માં આ નામ હેઠળ અન્ય ટ્રસ્ટ ડીડની બેંગ્લોર સબ-રજિસ્ટ્રારની ઓફિસમાં નોંધણી કરાઈ હતી. 1996 સામ પિત્રોડાએ કર્ણાટક વન વિભાગને “ઔષધીય વનસ્પતિ સંરક્ષણ અને સંશોધન” માટે જંગલની જમીન FRLHT માટે પાંચ વર્ષ માટે લીઝ પર લીધી હતી. લીઝને 2001માં વધુ 10 વર્ષ માટે લંબાવવામાં આવી છે, જે 2 ડિસેમ્બર 2011ના રોજ સમાપ્ત થઈ હતી. આ પછી લીઝને રિન્યૂ કરાઈ નથી. આમ છતાં રૂ.150 કરોડથી વધુની કિંમતની 12.35 એકર સરકારી જમીન પર ફરી દાવો કરવાને બદલે કર્ણાટક વન વિભાગ છેલ્લા 14 વર્ષથી સામ પિત્રોડાની કથિત લાંચના કારણે જમીન પરત લીધી નથી.
