અમેરિકામાં કાર્યક્ષમતા વિભાગ (DOGE)ના વડા ઇલોન મસ્કના આદેશનું પાલન ન કરવા માટે એફબીઆઇ, વિદેશ વિભાગ અને ન્યાય વિભાગ સહિતની એજન્સીઓએ તેમના કર્મચારીઓને સૂચના આપી હોવાથી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના વફાદારો વચ્ચે સત્તાનો સંઘર્ષ જેવી સ્થિતિ ઊભી થઈ છે. સરકારના ખર્ચમાં કાપ મૂકીને કાર્યક્ષમતામાં વધારો કરવાની જવાબદારી સંભાળતા મસ્કે સરકારી કર્મચારીઓને તેમની કાર્યસિદ્ધિની વિગતો આપવાની સૂચના આપી હતી. આની સાથે ધમકી આપી હતી કે જો તેઓ રીપોર્ટ નહીં કરે તો નોકરી ગુમાવશે. મસ્કની સત્તા સામે વિવિધ એજન્સીઓના પ્રતિકારથી અરાજકતા અને મુંઝવણ ઊભી થઈ હતી.
મસ્કની ટીમે શનિવારે હજારો ફેડરલ કર્મચારીઓને એક ઈ-મેલ કરી ગયા અઠવાડિયે પૂર્ણ કરેલી પાંચ વિશિષ્ટ બાબતોની જાણ કરવા માટે આશરે 48 કલાકનો સમય આપ્યો હતો. X પરના એક અલગ મેસેજમાં મસ્કે જણાવ્યું હતું કે આ સમયમર્યાદા સુધીમાં જવાબ આપવામાં નિષ્ફળ રહેલા કર્મચારીઓ તેમની નોકરી ગુમાવશે.
ડેમોક્રેટ્સ અને કેટલાંક રિપબ્લિકને પણ મસ્કના આવા અસાધારણ આદેશની ટીકા કરી હતી. સરકારી કાર્યક્ષમતા વિભાગ દ્વારા સરકારના કદને ઘટાડવા માટે “વધુ આક્રમક” બનવા માટે ટ્રમ્પે સોશિયલ મીડિયામાં પ્રોત્સાહિત કર્યાના થોડા કલાકોમાં મસ્કે આ આદેશ આપ્યો હતો.
રિપબ્લિકન નેતા માઇક લૌલરે જણાવ્યું હતું કે મને ખબર પડતી નથી કે તે કેવી રીતે શક્ય છે. દેખીતી રીતે, ઘણા ફેડરલ કર્મચારીઓ યુનિયન કરાર હેઠળ છે.
મસ્કની સૂચનાનું પાલન ન કરનારા હજારો ફેડરલ કર્મચારીઓને કયા કાનૂની આધારે બરતરફ કરાશે તે અંગે હજુ કોઇ સ્પષ્ટતા નથી.
કર્મચારી યુનિયનોએ આવા આદેશને કોર્ટમાં પડકારવાની ચીમકી આપી હતી. બીજી તરફ ખુદ ટ્રમ્પ નિયુક્તિ સહિત ઘણી એજન્સીના વડાઓએ તેમના કર્મચારીઓને સહકાર ન આપવાની સલાહ આપી હતી.
FBI ડાયરેક્ટર, ટ્રમ્પના વફાદાર અને એક સ્પષ્ટવક્તા કાશ પટેલે મસ્કની માગણીઓની હાલ પૂરતી અવગણવા કરવાની એજન્સીના કર્મચારીઓની સૂચના આપી હતી. કાશ પટેલે તેમના કર્મચારીઓને પાઠવેલા ઇ-મેઇલમાં જણાવ્યું હતું કે એફબીઆઈ ઓફિસ ઓફ ડાયરેક્ટર મારફત કર્મચારીઓની રિવ્યૂ પ્રક્રિયા કરે છે અને FBI પ્રક્રિયાઓ અનુસાર સમીક્ષાઓ હાથ ધરશે. જ્યારે વધુ માહિતીની જરૂર હશે ત્યારે અમે માગીશું. હાલમાં કોઈપણ માહિતી આપવાનું અટકાવી દો.
માર્કો રુબિયોના વડપણ હેઠળના સ્ટેટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ તો સ્પષ્ટ શબ્દમાં મસ્કના આદેશની અવગણના કરવા કર્મચારીઓને સૂચના આપી હતી. કાર્યકારી અન્ડરસેક્રેટરી ફોર મેનેજમેન્ટ ટિબોર નેગીએ કર્મચારીઓને એક ઇ-મેઇલમાં જણાવ્યું હતું કે કર્મચારીઓ વતી તેમના વિભાગના વડા જવાબ આપશે. કોઈ પણ કર્મચારી તેમની ડિપાર્ટમેન્ટ બહાર તેમની પ્રવૃત્તિઓની જાણ કરવા માટે બંધાયેલા નથી.
બીજી તરફ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના સુપરવાઇઝર્સ પણ કાર્યસિદ્ધિ અંગેના ફેડરલ આદેશનો હાલમાં કોઇ જવાબ ન આપવાની કર્મચારીઓની સૂચના આપી હતી. ન્યાય વિભાગની ઓછામાં ઓછી પાંચ ઓફિસોના વડાઓએ તેમના સ્ટાફને જ્યાં સુધી વધુ સ્પષ્ટતા ન મળે ત્યાં સુધી તેમના કાર્યની વિગતો ન આપવાની તાકીદ કરી હતી. બે યુએસ એટર્ની ઓફિસે કામદારોને સંદેશ આપ્યો હતો કે તમામ 93 યુએસ એટર્નીની સપોર્ટ ઓફિસ DOJ નેતૃત્વ પાસેથી માર્ગદર્શન મેળવવાનો પ્રયાસ કરી રહી છે કે તેઓ કેવી રીતે પાલન કરી શકે અથવા ઇ-મેઇલ પણ કાયદેસર છે કે નહીં.
સૂત્રોએ જણાવ્યું હતું કે DOJના વકીલોને ચિંતા છે કે પુરાવા સહિતની બિન-જાહેર તપાસ વિગતો જાહેર કરવાની બાબત ગેરવર્તણૂક સમાન ગણાશે.
ટ્રમ્પના બીજા કાર્યકાળના પ્રથમ મહિનામાં અત્યાર સુધી હજારો કર્મચારીઓની હકાલપટ્ટી કરાઈ છે અથવા રાજીનામા લઈ લેવામાં આવ્યા છે. અત્યાર સુધી કેટલાં કર્મચારીઓ બરતરફી અથવા છટણીનો ભોગ બન્યા છે તેનો કોઇ સત્તાવાર આંકડો નથી, પરંતુ અસરગ્રસ્ત કર્મચારીઓની સંખ્યા હજારોમાં છે. ઘણા વોશિંગ્ટનની બહારથી કામ કરે છે.
