
મધ્યપ્રદેશના છતરપુરના ગઢા ગામમાં ધર્મગુરુ ધીરેન્દ્ર શાસ્ત્રીના બાગેશ્વર ધામમાં એક વિશાળ જનસભાને સંબોધતા વિરોધ પક્ષના નેતાઓ પર ગર્ભિત પ્રહાર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે કેટલાંક વિદેશી નેતાઓ વિદેશી તાકાતોના પીઠબળથી હિન્દુ ધર્મ, આસ્થા અને પરંપરાઓની હાંસી ઉઠાવી રહ્યાં છે. આ નેતાઓ ભારતમાં રહે છે અને હિંદુ ધર્મને ધિક્કારે છે. તેઓ ગુલામીની માનસિકતાની સાંકળથી બંધાયેલા છે તથા ભારતીય સંસ્કૃતિ, પરંપરાઓ, તહેવારો અને પ્રગતિશીલ ફિલસૂફી પર હુમલા કરે છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આજકાલ કેટલાક નેતાઓ એવા છે કે જેઓ ધર્મની મજાક ઉડાવે છે. તેઓ સક્રિયપણે લોકોમાં ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે. ઘણીવાર વિદેશી પ્રભાવોથી આ નેતાઓ પ્રોત્સાહિત થઈને રાષ્ટ્રની એકતા અને ધાર્મિક પાયાને નબળો પાડવાનો પ્રયાસ કરે છે. આ વ્યક્તિઓ આપણા સમાજને વિભાજીત કરવા અને તેની એકતા તોડવાના ઇરાદા સાથે, હિંદુ ધર્મ અને સંસ્કૃતિ પર હુમલા કરે છે.
મોદીએ ગઢા ગામમાં બાગેશ્વર ધામ મેડિકલ એન્ડ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું ભૂમિપૂજન કર્યું હતું. આશરે 10 એકર જમીનમાં રૂ.200 કરોડના ખર્ચ સાથે આ હોસ્પિટલનું નિર્માણ કરાશે. બાગેશ્વર ધામના મુખ્ય પૂજારી ધીરેન્દ્ર શાસ્ત્રીને વડાપ્રધાનને આ હોસ્પિટલ તૈયાર થઈ જાય તે પછી તેનું લોકાર્પણ કરવા માટે પણ આવવાનો અનુરોધ કર્યો હતો.
