ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં રવિવાર, 23 ફેબ્રુઆરીએ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને છ વિકેટે આસાન પરાજય આપ્યો હતો. પાકિસ્તાને ભારતને વિજય માટે 242 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
ભારત તરફથી વિરાટ કોહલીની આક્રમક સદી અને શ્રેયસ ઐયારના 56 રનની મદદથી ભારતે આ ટાર્ગેટ હાંસલ કર્યો હતો. કોહલીએ પાકિસ્તાન સામેના તેના શાનદાર દેખાવને જારી રાખીને તેની 51મી ઓડીઆઇ સદી ફટકારી હતી.. શુભમન ગિલે 46 રનનું યોગદાન આપ્યું હતું.
અગાઉ શિસ્તબદ્ધ બોલિંગથી ભારતે પાકિસ્તાનને 241 રનમાં ઓલઆઉટ કર્યું હતું. સઈદ શકીલ અને મોહમ્મદ રિઝવાને નિર્ણાયક 104 રનની ભાગીદારી નોંધાવીને પાકિસ્તાને સન્માનજનક સ્કોર ખડો કરવામાં મદદ કરી હતી. અગાઉ પાકિસ્તાનને 2 વિકેટે 47 રનમાં ગુમાવીને નબળો પ્રારંભ કર્યો હતો. પાકિસ્તાનને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
શકીલે 62 રન બનાવ્યા હતાં, જ્યારે રિઝવાને 46 રન બનાવ્યા હતાં. બંનેના વિદાય થયા બાદ પાકિસ્તાને નિયમિત અંતરે વિકેટ ગુમાવવાનું ચાલુ રાખ્યું હતું અને 250થી નીચેનો સ્કોર સાથે સમાપ્ત થયો હતો. કુલદીપ યાદવે 40 રનમાં 3 વિકેટ સાથે ભારત તરફથી શ્રેષ્ઠ બોલિંગ દેખાવ કર્યો હતો. હાર્દિક પંડ્યાએ પણ 31 રનમાં બે વિકેટ લઈને પ્રભાવશાળી રહ્યો હતો. અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા અને હર્ષિત રાણાએ એક-એક વિકેટ ઝડપી હતી.
આ બંને ટીમ છેલ્લે 2017માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ રમી હતી. જેમાં ભારતીય ટીમને 110 રનથી પરાજય મળ્યો હતો. અગાઉ 2013માં ભારતીય ટીમ આ ટુર્નામેન્ટની ચેમ્પિયન રહી ચૂકી હતી. 2002માં પણ તે જોઈન્ટ ચેમ્પિયન હતી. જોકે બાદમાં 2017માં પાકિસ્તાને આ ખિતાબ પોતાના નામે કર્યો હતો.19 ફેબ્રુઆરીથી શરૂ થયેલી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતે પ્રથમ મુકાબલામાં બાંગ્લાદેશને છ વિકેટથી હરાવ્યો હતો. બીજી બાજુ પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડ સામે 60 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર અને પાકિસ્તાનના કોચ આકિબ જાવેદ છે.
