(Photo by NARINDER NANU/AFP via Getty Images)

કેનેડાની શાસક લિબરલ પાર્ટીના વડા બનવાની રેસમાંથી પાર્ટીએ શુક્રવારે ઈન્ડો-કેનેડિયન ઉમેદવાર રૂબી ઢલ્લાને ગેરલાયક ઠેરવ્યા હતાં. પાર્ટીના આ નિર્ણય સામે આકરી પ્રતિક્રિયા આપતા ઢલ્લાએ જણાવ્યું હતું કે તેઓ ભૂતપૂર્વ સેન્ટ્રલ બેંકર માર્ક કાર્નેના “રાજ્યભિષેક” સામે એક અવરોધ હોવાથી પાર્ટીએ તેમને ગેરલાયક ઠેરવ્યા છે. કેનેડિયન મીડિયાના અંદાજ મુજબટ્રુડોનું આંતરિક વર્તુળ કાર્નેને સમર્થન આપી રહ્યું છે. અગાઉ ઈન્ડો-કેનેડિયન સાંસદ ચંદ્ર આર્યને 26 જાન્યુઆરીએ ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતાં.

પાર્ટીના આ નિર્ણયની સાથે ઢલ્લાની વડાપ્રધાન બનવાની શક્યતા પર પૂર્ણવિરામ મુકાયું છે. પાર્ટીની મતદાન સમિતિએ કરેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે, રૂબી ઢલ્લાએ ચૂંટણી ખર્ચ સહિત કુલ 10 નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. ઢલ્લાએ જરૂરી નાણાકીય માહિતી જાહેર કરી ન હતી.

રૂબી ઢલ્લાએ પોતાના પરના આક્ષેપોને ખોટા અને બનાવટી ગણાવીને ફગાવી દેતા જણાવ્યું હતું કે પાર્ટી તેમના માટે સતત વધી રહેલા સમર્થનથી ડરી ગઈ હતી.

રૂબી ઢલ્લા ત્રણ વખત સાંસદ, ઉદ્યોગપતિ અને પ્રેરક વક્તા છે. તેમણે શરૂઆતના દિવસોમાં મોડેલિંગ પણ કર્યું છે. રૂબી 14 વર્ષની ઉંમરથી લિબરલ પાર્ટી સાથે કામ કરી રહ્યાં છે. રૂબીનો જન્મ મેનિટોબાના વિનિપેગમાં ચંડીગઢ નજીક મુલ્લાનપુરથી કેનેડા આવેલા પંજાબી ઇમિગ્રન્ટ્સને ત્યાં થયો હતો. રૂબીએ પોતાની કારકિર્દી મોડેલિંગથી શરૂ કરી હતી અને 1993માં મિસ ઈન્ડિયા-કેનેડા સ્પર્ધામાં બીજા ક્રમે આવી હતી.

LEAVE A REPLY