અમેરિકાની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટેસ્લાના વડા ઇલોન મસ્ક વચ્ચેની તાજેતરની મુલાકાત પછી આ વિશ્વવિખ્યાત ઇલેક્ટ્રિક કાર કંપનીએ ભારતમાં ભરતી ચાલુ કરી હતી. કંપનીએ મુંબઈમાં રિટેલ પોઝિશન્સ માટે જાહેરખબર આપી હતી. તેનાથી સંકેત મળે છે કે કંપની ભારતમાં બિઝનેસ કરવાની યોજના ધરાવે છે.
છેલ્લા કેટલાક વર્ષોથી ટેસ્લાના ભારત આગમનને લઈને ચર્ચાઓ ચાલી હતી અને 2024માં ઈલોન મસ્ક વડાપ્રધાન મોદીને મળવા માટે ભારત પણ આવવાના હતા. જોકે, અંતિમ સમયે તેમણે પોતાની ભારત મુલાકાત રદ કરી દીધી હતી.
મીડિયા રિપોર્ટ પ્રમાણે કંપની ભારતમાં પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે સ્ટાફની ભરતી કરી રહી છે અને તેણે પોતાની વેબસાઈટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લિંક્ડઈન પર મુંબઈમાં વિવિધ પોઝિશન્સ માટે 13 જોબ લિસ્ટ કરી હતી. તેમાંથી એક “સ્ટોર મેનેજર” ની ભૂમિકા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કંપની શરૂઆતમાં કારની ભારતમાં આયાત કરશે કરશે તથા મુંબઈ તથા દિલ્હીમાં રિટેલ આઉટલેટ દ્વારા તેનું વેચાણ કરશે. ભારત સરકારે ગત વર્ષે ઈલેક્ટ્રિક વ્હિકલ્સ (EV) મેન્યુફેક્ચરિંગમાં ઈન્વેસ્ટ કરવા કંપનીઓને આકર્ષવા માટે નવી સ્કીમની જાહેરાત કરી હતી. આ સ્કીમમાં ચોક્કસ ઈલેક્ટ્રિક વ્હિકલ્સ પરની ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડીને 15 ટકા સુધી કરવાનું વચન આપવામાં આવ્યું હતું.
