ભૂતપૂર્વ બાઇડન સરકારે વોટર ટર્નએરાઉન્ડના નામે ભારતને 21 મિલિયની સહાય આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય બીજા કોઇને જીતાડવાનો પ્રયાસ કર્યો હોવાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા પછી ભારતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ ચાલુ થયું હતું.
ગુરુવારે ટ્રમ્પે “મતદાનમાં વધારો કરવા” કરવાના નામે ભારતને $21 મિલિયન આપવાના હેતુ પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે ભારતમાં મતદાન માટે આપણે 21 મિલિયન ડોલરનો ખર્ચ કરવાની જરૂર કેમ છે? મને લાગે છે કે તેઓ બીજા કોઈને ચૂંટાવવાનો પ્રયાસ કરી રહ્યા હતાં.
બીજા દિવસે પણ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક સહાય એજન્સી USAID દ્વારા ભારત માટે યુએસ સરકારના 21 મિલિયન ડોલરના ફંડની ટીકાનું પુનરાવર્તન કર્યું હતું અને તેને લાંચ સ્કીમ ગણાવી હતી. રિપબ્લિકન પાર્ટીના રાજ્યના ગવર્નરોના સભાને સંબોધતા ટ્રમ્પે જણાવ્યું હતું કે શું તમે આટલા બધા પૈસા ભારતમાં જવાની કલ્પના કરી શકો છો? મને આશ્ચર્ય થાય છે કે જ્યારે તેઓને તે મળે છે ત્યારે તેઓ શું વિચારે છે. હવે, તે એક કિકબેક યોજના છે… તમે જાણો છો… તેઓ તેને મોકલનારા લોકોને પાછા લાત મારી દે છે.
આ મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કરતાં ભાજપે જણાવ્યું હતું કે કોંગ્રેસે 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તામાં આવતા રોકવા માટે વિદેશી ભંડોળ મેળવ્યું હતું. બીજી તરફ કોંગ્રેસે ભારતને USAID ફંડ્સ પર શ્વેતપત્રની માંગણી કરી હતી અને ટ્રમ્પના દાવાઓને “અર્થહીન” ગણાવ્યા હતાં.
ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે અગાઉના કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (યુપીએ) સરકાર દરમિયાન સરકારને $204.28 મિલિયન મળ્યા હતાં, જ્યારે NGOને $2114.96 મિલિયન મળ્યા હતાં. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સત્તામાં આવ્યા પછી આ વિદેશ ફંડ પ્રવાહ ધીમો પડી ગયો હતો. 2014 થી 2015 સુધીમાં સરકારી ભંડોળ ઘટીને $1 મિલિયન થઈ ગયું, જોકે એનજીઓ માટેનું ભંડોળ વધીને $2579.73 મિલિયન થયું હતું.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે હાલમાં USAID સમાચારોમાં છે. તેની સ્થાપના 3 નવેમ્બર, 1961ના રોજ કરવામાં આવી હતી. અમેરિકી પ્રેસિડન્ટે કરેલા દાવાઓ વાહિયાત છે. તેમ છતાં, ભારત સરકારે વહેલામાં વહેલી તકે એક શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ જેમાં ભારતમાં સરકારી અને બિન-સરકારી બંને સંસ્થાઓને USAIDના ફંડની વિગતો હોવી જોઇએ.
