એફબીઆઇના ડાયરેક્ટર તરીકે અમેરિકાની સેનેટે કાશ પટેલની નિયુક્તિને ગુરુવારે બહાલી આપી હતી. આની સાથે કાશ પટેલ અમેરિકાની આ અગ્રણી તપાસ એજન્સીના પ્રથમ ભારતીય મૂળના વડા બન્યા છે. સેનેટની મંજૂરી પછી કાશ પટેલે એજન્સીમાં વિશ્વાસનું પુનઃઘડતર કરવાની પ્રતિબદ્ધતા ઉચ્ચારી હતી.
રિપબ્લિકનની આગેવાની હેઠળની સેનેટે ગુરુવારે 44 વર્ષીય કાશ પટેલની નિયુક્તિને ઘણા ઓછા માર્જિનથી બહાલી આપી હતી. સેનેટમાં 51 વિરુદ્ધ 49 વોટ પડ્યાં હતાં. બે રિપબ્લિકન સુસાન કોલિન્સ અને લિસા મુર્કોવસ્કીએ પુષ્ટિની વિરુદ્ધ મત આપ્યો હતો.
સેનેટની બહાલી પછી કાશ પટેલે X પર લખ્યું હતું કે ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનના નવમા ડાયરેક્ટર તરીકે બહાલી મળવા બદલ હું સન્માનિત થયો છું. અતૂટ વિશ્વાસ અને સમર્થન માટે પ્રેસિડન્ટ ટ્રમ્પ અને એટર્ની જનરલ બોન્ડીનો આભાર. 9/11ના હુમલાના પગલે આપણા રાષ્ટ્રની રક્ષા કરવાનો FBI પાસે લાંબો વારસો છે. અમેરિકન લોકો પારદર્શક, જવાબદાર અને ન્યાય માટે પ્રતિબદ્ધ એફબીઆઇ ઇચ્છે છે. આપણી ન્યાય પ્રણાલીના રાજનીતિકરણથી લોકોનો વિશ્વાસ ખતમ થઈ ગયો છે, પરંતુ તે આજે સમાપ્ત થાય છે. ડાયરેક્ટર તરીકે મારું મિશન સ્પષ્ટ છે: સારા પોલીસને પોલીસ બનવા દો-અને એફબીઆઈમાં વિશ્વાસનું પુનઃનિર્માણ કરો.
તેમણે ચેતવણી પણ આપી હતી કે એજન્સી એવા લોકોનો પીછો કરશે જેઓ અમેરિકનોને નુકસાન પહોંચાડવા માગે છે. FBI ડાયરેક્ટરની ભૂમિકા 10 વર્ષની મુદતની હોવાનું માનવામાં આવે છે.
ન્યુયોર્કમાં જન્મેલા કાશ પટેલના મૂળ ગુજરાતમાં છે. જોકે તેમના માતાપિતા પૂર્વ આફ્રિકાના છે, તેમની માતા તાંઝાનિયાની છે અને તેના પિતા યુગાન્ડાના છે. તેઓ 1970માં કેનેડાથી અમેરિકા આવ્યા હતાં. 70ના દાયકાના અંતમાં પરિવાર ન્યૂયોર્કમાં ક્વીન્સ રહેવા ગયો હતો, જેને ઘણીવાર લિટલ ઈન્ડિયા કહેવામાં આવે છે. અહીં જ પટેલનો જન્મ અને ઉછેર થયો હતો.
અગાઉ એક ઇન્ટરવ્યૂમાં કાશ પટેલે જણાવ્યું હતું કે “અમે ગુજરાતી છીએ.” કાશ પટેલના માતા-પિતા હવે નિવૃત્ત છે અને તેમનો સમય અમેરિકા અને ગુજરાતમાં વિતાવે છે.
