
બાંગ્લાદેશમાં ગયા વર્ષના ઓગસ્ટમાં શેખ હસીના સરકારના પતન પછી હિન્દુઓ પર વ્યાપક હુમલાના અનેક અહેવાલ આવ્યાં હોવા છતાં બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB)ના વડાએ દાવો કર્યો હતો કે બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર કોઇ હુમલા થયા નથી અને આ મુદ્દાને ખોટી રીતે ચગાવવામાં આવ્યો છે.
નવી દિલ્હીમાં બીએસએફના ડીજી દલજીત સિંહ ચૌધરી સાથેની તેમની ઉચ્ચ સ્તરીય બેઠક પછી બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશના ડાયરેક્ટર જનરલ મેજર જનરલ મોહમ્મદ અશરફઝમાન સિદ્દીકીએ જણાવ્યું હતું કે આવા અહેવાલો મીડિયામાં વધુ હતાં, જેનાથી રાજકારણીઓને ટિપ્પણી કરતાં હતા. 5 ઓગસ્ટ 2024માં હસીના સરકારનું પતન પછીના શરૂઆતના બે મહિના દરમિયાન આવી ઘટના બની હતી, પરંતુ હવે એવું નથી.
ગયા વર્ષે ઓગસ્ટમાં બાંગ્લાદેશમાં શાસન પરિવર્તન બાદ બંને દેશના સીમા સુરક્ષા દળોની આ પ્રથમ ઉચ્ચ સ્તરીય બેઠક હતી. તેમણે જણાવ્યું હતું કે બીએસએફના વડા સાથેની ઉચ્ચ સ્તરીય વાતચીત દરમિયાન ભારત દ્વારા બોર્ડર પર ફેન્સિંગ સહિતના ઘણા નવા મુદ્દાઓ પર ચર્ચાવિચારણા કરાઈ હતી.
દલજીત સિંહ ચૌધરી સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતાં સિદ્દીકીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમના દેશના સત્તાવાળાઓએ લઘુમતીઓના રક્ષણ માટે પગલાં લીધાં છે. તેમણે આંતરરાષ્ટ્રીય સરહદે તેમના અધિકારક્ષેત્રના 8 કિમી વિસ્તારમાં દુર્ગા પૂજા પંડાલોને તેમના દળોએ આપેલા સુરક્ષા કવચનું પણ ઉદાહરણ આપ્યું હતું.
BGBના વડાએ જણાવ્યું હતું કે ઇન્ડો-બાંગ્લાદેશ બોર્ડરના 150 યાર્ડ્સમાં ભારત દ્વારા કરવામાં આવી રહેલા ફેન્સીંગના સંદર્ભમાં DG-સ્તરની દ્વિ-વાર્ષિક વાટાઘાટો દરમિયાન વાંધાઓ ઉઠાવવામાં આવ્યો હતો અને સંખ્યાબંધ કિસ્સા અંગે ચિંતા વ્યક્ત કરાઈ હતી. બાંગ્લાદેશે ફેન્સિંગ પહેલા સંયુક્ત ઇન્સ્પેક્શનની માગણી કરી છે. ઇન્ડો-બાંગ્લાદેશ બોર્ડરની નજીક વિકાસ કાર્યોના સંખ્યાબંધ મુદ્દા ઉઠાવાયાં હતાં અને તે તાજેતરની મંત્રણામાં સૌથી ધ્યાન કેન્દ્રીત એજન્ડા હતો.
