જાણીતા ફિલ્મકાર કરણ જોહરે તાજેતરમાં સૈફ અલીખાન અને અમૃતા સિંઘના પુત્ર ઇબ્રાહિમના ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા. કરણે તેમાં પોતાના ધર્મા પ્રોડક્શનની નવી ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરી રહેલા એક યુવા અભિનેતાની ઝલક દર્શાવી હતી. આ રીતે કરણે ઇબ્રાહિમની ફિલ્મી સફરની શરૂઆત અંગે પોતાની ઉત્સુકતા દર્શાવી હતી. ત્યાર પછી લોકોમાં ઇબ્રાહિમ અલી ખાનના રોલ વિશે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
કરણ જોહરે પોતાની પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું, “હું અમૃતાને મળ્યો કે ડિંગીને..તેનાં નજીકનાં લોકો તેને એ જ નામથી ઓળખે છે તે રીતે..ત્યારે હું માત્ર 12 વર્ષનો હતો. તેણે ધર્મા મુવીઝમાં મારા પિતા સાથે ‘દુનિયા’ નામની ફિલ્મમાં કામ કર્યું હતું. એ વખતે તેનો કૅમેરા પર જે કાબૂ, સુંદરતા અને જે ઊર્જા હતી તે આજે પણ મને યાદ છે. પણ મને જે આજે સૌથી યાદ છે તે તેની અને એ વખતના તેના હેરસ્ટાઇલિસ્ટ સાથે ડિનરમાં ચાઇનિઝ ખાધેલું અને તેના પછી અમે સાથે બેસીને ‘જેમ્સ બોન્ડ’ ફિલ્મ જોઇ હતી. તેમણે મને હું મળ્યો એ ક્ષણથી જ જાણે હું તેનો પોતાનો હોય એ રીતે મારું ધ્યાન રાખ્યું હતું, એ જ એની તાકાત અને હુંફ હતી. જે આજે પણ મને તેમના બાળકો તરફથી મળે છે.”
ઇબ્રાહિમના માતાપિતા, બહેન સારા સાથેના અનુભવ અંગે કરણે કહ્યું, “હું આ પરિવારને છેલ્લા 40 વર્ષથી ઓળખું છું. દરેક સાથે અલગ અલગ રીતે કામ કર્યું છે, અમૃતા સાથે દુનિયા, સૈફ સાથે કલ હો ના હો, કુરબાન અને સારા સાથે સિમ્બા અને હજુ આગળ પણ કરતો રહીશ. આ પરિવારને દિલથી જાણું છું.”
કરણના પદાર્પણ વિશે કરણે કહ્યું, “ફિલ્મ તો એમના લોહીમાં, વારસામાં અને તેમના જુસ્સામાં છે. આ પરિવારની નવી પ્રતિભા માટે રસ્તો બનાવવા અમે તૈયાર છીએ અને દુનિયાને હવે તે બતાવવા હું આતુર છું. તો ઇબ્રાહિમ આપણા દિલમાં અને મોટાં પડદાં પર જગ્યા બનાવે તેની રાહ જોતાં રહો.”
