પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ઇંગ્લિશ ચેનલ પાર કરીને નાની હોડીઓમાં કે રોડ માર્ગે અથવા અન્ય ગેરકાયદેસર રીતે સરહદ પાર કરી દેશમાં ઘુસી આવતા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને અટકાવવા માટે યુકે સરકારે બ્રિટિશ નાગરિકતા અરજીઓ અંગેના નિયમો કડક બનાવ્યા છે.

સોમવારે યુકે હોમ ઑફિસ ઇમિગ્રેશન સ્ટાફ માટે આવા દસ્તાવેજો પ્રોસેસ કરવા માટે પ્રકાશિત થયેલ ‘નેશનાલીટી: ગુડ કેરેક્ટર રીક્વાયરમેન્ટ’ નામથી એસેસમેન્ટ માર્ગદર્શિકાને અમલમાં મૂકી છે જે બ્રિટિશ સીટીઝનશીપ માટેની અરજીઓ પર તત્કાલ લાગુ પડશે.

આ નિયમ મુજબ બ્રિટીશ નાગરિકતા માટે અરજી કરનાર વ્યક્તિ જો જરૂરી માન્ય પ્રવેશ મંજૂરી વિના “ખતરનાક મુસાફરી કરીને” દેશમાં ઘુસી આવી હશે તો તેને નાગરિકતા અરજી નકારવામાં આવશે.

આ અગાઉ અનિયમિત માર્ગો દ્વારા આવેલા શરણાર્થીઓ અને માઇગ્રન્ટ્સને બ્રિટિશ નાગરિકતા માટે 10 વર્ષ રાહ જોવી પડતી હતી. પણ હવે તેમની અરજીઓ મંજૂર થવાની શક્યતા અત્યંત ઓછી હશે. નાગરિકતા અરજીઓ પર કેસ-બાય-કેસ વિચારણા કરાશે અને જે તે વ્યક્તિએ ગુનો કર્યો છે કે કેમ તેની તપાસ કરાશે.

ઇસ્ટ લંડનના વોલ્ધામસ્ટોના લેબર સાંસદ સ્ટેલા ક્રિસીએ તેનો વિરોધ કરતા કહ્યું હતું કે ” આ નિયમને શક્ય તેટલો જલ્દી બદલવો જોઈએ. આપણે કોઈને શરણાર્થીનો દરજ્જો આપીએ  પછી તેમને બ્રિટિશ નાગરિક બનાવવાનો ઇન્કાર યોગ્ય ન હોઈ શકે. તેઓ ઘર મેળવી શકે છે, પરંતુ સમાજમાં સ્થાન મેળવી ન શકે તો હંમેશા બીજા વર્ગના રહી શકે છે.”

હોમ ઓફિસે દેશમાં ગેરકાયદેસર કામ કરનારાઓ પર “યુકે-વ્યાપી દરોડા” પાડી ભારતીય રેસ્ટોરાં, નેઇલ બાર, કન્વીનીયન્સ સ્ટોર્સ અને કાર વોશમાંથી ગયા જુલાઈથી લગભગ 19,000 નિષ્ફળ એસાયલમ સીકર્સ, વિદેશી ગુનેગારો અને અન્ય ઇમિગ્રેશન ગુનેગારોને આફ્રિકા, એશિયા, યુરોપ અને દક્ષિણ અમેરિકાના દેશોમાં પરત મોકલ્યા છે.

LEAVE A REPLY