યુગાન્ડા હાઈ કમિશન, લંડન દ્વારા ઇન્ટરનેશનલ મેરિટાઇમ ઓર્ગેનાઇઝેશન (IMO) બિલ્ડિંગ ખાતે યુગાન્ડાના વારસાની ઉજવણી કરવા એક સવિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં યુગાન્ડાની વૈવિધ્યસભર સંસ્કૃતિ અને રોકાણના અવસરો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. વિશેષ આકર્ષણ તરીકે પ્રખ્યાત વટોટો બાળકોના કોયરના મંત્રમુગ્ધ કરતા કાર્યક્રમને ખાસ દાદ મળી હતી.
હાઈ કમિશનર નિમિષા જે. માધવાણીએ મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, “યુગાન્ડાની સંસ્કૃતિ માત્ર ભવિષ્યની વારસો જ નથી, પરંતુ આપણા રાષ્ટ્રની ઓળખ, સામાજિક એકતા અને આર્થિક વિકાસનો પાયો છે. અમારું વૈવિધ્ય એ જ અમારી શક્તિ છે.”
હાઈ કમિશનરે રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેનિના વિઝન વિશે વાત કરી હતી જેના લીધે 1993માં સાંસ્કૃતિક સંસ્થાઓ પુનઃસ્થાપિત થઈ હતી જે આગવી રાષ્ટ્રીય ઓળખ અને એકતાને વધુ મજબૂત બનાવે છે.
આ કાર્યક્રમ અંતે, હાઈ કમિશનરે ઉપસ્થિત મહેમાનોને યુગાન્ડાની સુંદરતા પોતાના આંખે જોવા માટે આમંત્રણ આપતા કહ્યું હતું કે “યુગાન્ડાની મુલાકાત લો અને અમારી વૈવિધ્યસભર સંસ્કૃતિ, આશ્ચર્યજનક નઝારાઓ અને અમારા માનવતાભર્યા લોકોના આત્મીય સ્વાગતનો આનંદ માણો. ખરેખર, આ ધરતી પરનું સ્વર્ગ છે.”
કાર્યક્રમમાં સાંસ્કૃતિક રાજદ્વારી અને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટમાં યુગાન્ડાના યોગદાનનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું. આજના વૈશ્વિકરણવાળા વિશ્વમાં સંસાધન વ્યવસ્થાપન, પર્યાવરણીય સંરક્ષણ અને સંઘર્ષ નિરાકરણમાં સ્વદેશી પ્રથાઓ પર મૂલ્યવાન સંપત્તિ તરીકે ભાર મૂકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ડીન ઑફ ધ ડિપ્લોમેટિક કોર્પ્સ UK એમ્બેસેડર રોમેરો; ડીન ઑફ આફ્રિકા મિશન્સ ગ્રુપ, H.E. કર્નલ ક્રિશ્ચિયન કત્સાન્ડે; લોર્ડ લેફ્ટનન્ટ મનોજ જોશી ઑફ બ્રેડફર્ડ; કોમનવેલ્થ સચિવાલય, ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઑફિસ (FCDO) અને હોમ ઑફિસના પ્રતિનિધિઓ, ઇન્ટરનેશનલ મેરિટાઇમ ઓર્ગેનાઇઝેશના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
![](https://www.garavigujarat.biz/wp-content/uploads/2024/06/eee.jpg)