યુકે-ઈન્ડિયા યંગ પ્રોફેશનલ્સ સ્કીમ (વાયપીએસ) 2025ના બેલેટ આવતા સપ્તાહે ખુલશે. આ ખાસ વિઝા યોજના બ્રિટિશ તેમજ ભારતીય યુવા પેઢીને બે વર્ષની મુદત સુધી પરસ્પર એક બીજા દેશમાં રહેવા, કામ કરવા, અભ્યાસ કરવા તેમજ પ્રવાસનની વિશિષ્ટ તક આપે છે.
આ યોજના હેઠળ ભારતીય યુવા પેઢીના 3000 લોકોને યુકેના વિઝા માટે પસંદગીની તક મળશે. 18 થી 30 વર્ષની વયજૂથના લોકોએ તે માટે 18 થી 20 ફેબ્રુઆરી દરમિયાન અરજીઓ કરવાની રહેશે. અરજદારોએ બેલેટમાં પોતાની એન્ટ્રી માટે કોઈ ફી કે નાણાં ચૂકવવાના નથી. સફળ અરજદારોની પસંદગી રેન્ડમ પદ્ધતિએ થશે.
અરજદારો જે તારીખે યુકે આવવા માટે પ્રવાસ કરવા ઈચ્છતા હોય ત્યારે તેમની વય ઓછામાં ઓછા 18 વર્ષ પુરા કર્યાની હોવી જરૂરી છે. અરજદારો માટે જરૂરી લાયકાતમાં યુકેની બેચલર ડીગ્રી લેવલ કે તેથી વધુનું શિક્ષણ હોવું જરૂરી છે અને તેમની પાસે યુકેમાં પોતાના રહેવા વગેરેના ખર્ચ માટે £2,530 જેટલી રકમની બચત હોવાના પુરાવા જરૂરી છે. બેલેટ માટે ઉમેદવારી કરતા પહેલા અરજદારોએ એ બાબતની ખાતરી કરવાની રહેશે કે તેઓ એ માટે જરૂરી તમામ લાયકાત ધરાવે છે.
ભારત ખાતેના બ્રિટિશ હાઈકમિશનર લિન્ડી કેમરને જણાવ્યું હતું કે, “યંગ પ્રોફેશનલ્સ સ્કીમ બ્રિટિશ તેમજ ભારતીય યુવા પેઢી માટે પરસ્પર બન્ને દેશો વચ્ચેની એક આધુનિક સમજ કેળવવામાં મદદરૂપ બનતો એક ઉમદા પ્રોગ્રામ છે.”
આ પ્રોગ્રામની યોગ્ય લાયકાતના ધોરણો ઓનલાઈન જોઈ શકાય છે. લોટરીમાં પસંદગી પામેલા ભારતીય ઉમેદવારોને બેલેટ બંધ થયાના બે સપ્તાહમાં ઈમેઈલ દ્વારા જાણ કરાશે અને વિઝા માટે અરજી કરવા આમંત્રિત કરાશે. તેઓ ઈમેઈલ મળ્યાના 90 દિવસ સુધીમાં ઓનલાઈન યુકે હોમ ઓફિસમાં વિઝા માટે અરજી કરી શકશે. એ વખતે જ તેઓએ પોતાના બાયોમેટ્રિક્સ તથા જરૂરી વિઝા, અન્ય ફી તેમજ ઈમિગ્રેશન હેલ્થ સરચાર્જ વગેરે ફીઝ ભરવાની રહેશે. પસંદ થયેલા ઉમેદવારોએ યુકેમાં બે વર્ષ રહ્યા પછી ભારત પાછા ફરવાનું રહેશે.
ડિસેમ્બર, 2023માં પુરા થયેલા વર્ષ માટે 2,100થી વધુ ભારતીયોને આ વાયપીએસ વિઝા ઈસ્યુ કરાયા હતા.
આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા બ્રિટિશ યુવાઓ માટે યોજનાની તમામ વિગતો લંડન ખાતેના ભારતીય હાઈ કમિશનની વેબસાઈટ ઉપર પ્રાપ્ત છે.
![](https://www.garavigujarat.biz/wp-content/uploads/2024/06/eee.jpg)