file photo

ગુજરાતમાં 2015માં પાટીદાર સમાજ દ્વારા અનામત આંદોલન કરવામાં આવ્યું હતું. આ આંદોલનનાં પડઘા દેશ-વિદેશમાં પણ પડ્યા હતાં. આંદોલનમાં હાર્દિક પટેલ, ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથરિયા, રેશ્મા પટેલ જેવા યુવા નેતાઓનો પણ ઉદ્ભવ થયો હતો. જોકે, આ આંદોલન દરમિયાન અનેક પાટીદારો સામે શાંતિ ડહોળવાનો પ્રયાસ અને રાજદ્રોહ સહિત વિવિધ ગંભીર ગુના નોંધાયા હતાં. સમયાંતરે આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલની સરકાર સમક્ષ વિવિધ પાટીદાર અગ્રણીઓ દ્વારા આ ગુનાઓ પરત ખેંચવાની માગણી કરવામાં આવી હતી. પરંતુ, 10 વર્ષ સુધી તેનું કોઇ પરિણામ આવ્યું નહોતું. જોકે, હવે 10 વર્ષ પછી આ કેસ પરત ખેંચવાની જાહેરાત ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘ગુજરાતના જે યુવાનો પાટીદાર આંદોલનમાં સામેલ હતાં ત્યારે કેટલીક ઘટના બની હતી. આ ઘટનામાં જે કેસ ચાલું હતાં અને જેની તપાસ અને ચાર્જશીટ પૂરી થઈ ગઈ છે, તેવા નવ કેસ પરત ખેંચવાનો નિર્ણય ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવાયો છે’.

આ અંગે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ‘અનેકવાર કેસ પાછા ખેંચાયા છે. હવે લગભગ 4 જેટલાં જ કેસ બાકી છે. દરેક કેસ ન્યાયિક પ્રક્રિયા હેઠળ પાછા ખેંચવામાં આવ્યા છે. જેમાં કેટલી કલમો લાગી છે? કેટલાં કેસ પરત ખેંચાઈ શકે તેવા છે તેની સમીક્ષા કર્યાં બાદ નિર્ણય લેવાયો છે. ન્યાયિક રીતે કેસને પરત ખેંચવામાં આવ્યા છે. આંદોલન વખતે જે પણ ઘટના બની હતી તે કોઈ ખાસ હેતુ માટે નહતી થઈ. આ ઘટના લાગણીમાં આવીને બની હતી. નિર્દોષોને સજા ન થાય તેનું ધ્યાન રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 360 હેઠળ આ કેસ પરત ખેંચાયા છે.’

આ મુદ્દે આંદોલનના નેતા અને હવે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે, ‘ગુજરાતમાં પાટીદાર આંદોલન દરમિયાન મારા સહિત સમાજના અનેક યુવાઓ સામેના રાજદ્રોહ સહિતના ગંભીર કેસ આજે ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા પરત ખેંચાયા છે. હું સમાજ તરફથી ગુજરાતની ભાજપ સરકારનો ખાસ આભાર માનું છું.’

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments