અમેરિકાના પ્રેસિડેન્ટે બહુ ચગાવેલી ટેરિફ વોરની વાતો પછી બે પડોશી દેશો – મેક્સિકો અને કેનેડા સામે સોમવારે 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાતો કરી હતી અને પછી બન્ને દેશોના વડા સાથે ટેલિફોનિક વાતચિત બાદ કહ્યું હતું કે, મેક્સિકો અને કેનેડાએ સરહદી સુરક્ષા વધારવા તેમજ બીજા જરૂરી પગલાં લેવાની ખાતરી આપતાં બન્ને દેશો ઉપરની વધારાની ટેરિફ હાલ પુરતી, એક મહિના સુધી મોકુફ રાખવામાં આવે છે.
અમેરિકાના લગભગ દરેક મોરચે સૌથી મોટા હરીફ ચીન સામે જો કે, ટ્રમ્પે 10 ટકા જ ટેરિફ વધારો જાહેર કર્યો હતો અને તેમાં કોઈ ફેરફારની જાહેરાત પણ નથી કરાઈ. સામે પક્ષે ચીને અમેરિકાથી થતી કોલસા અને નેચરલ ગેસની આયાતો ઉપર 15 ટકા ટેરિફ વધારાની જાહેરાત કરી હતી, તો ગૂગલ સામે એન્ટી ટ્રસ્ટ તપાસની પણ વાત કરી હતી.
સોમવારના નાટ્યાત્મક ઘટનાક્રમમાં પહેલા તો ટ્રમ્પે પડોશી દેશો મેક્સિકો અને કેનેડા ઉપરાંત ચીનથી અમેરિકામાં થતી આયાત પર ટેરિફ ઝીંકવાના ફરમાન પર મહોર મારી દીધી હતી. સામા પક્ષે આ બન્ને દેશોએ પણ અમેરિકાના સામાન પર આકરા ટેરિફ ઉપરાંત અન્ય પ્રતિકારક પગલાં ભરવાનું એલાન કર્યું હતું. અમેરિકાએ શરૂ કરેલા આ ટેરિફ વોરની અસર ગ્લોબલ ટ્રેડ પર પડવાની શક્યતાથી ખળભળાટ મચી ગયો હતો. ટ્રમ્પે આ ટેરિફ વોરથી અમેરિકાની પ્રજા ઉપર થનારી સંભવિત અસર, પીડાને યથાયોગ્ય ગણાવી હતી.
કેનેડાએ પણ અમેરિકાની આયાતો ઉપર ટેરિફની જાહેરાત કરી દીધી હતી, તો કેનેડાની સુપર માર્કેટોએ તો પોતાને ત્યાં વેચાતી અમેરિકન શરાબની બોટલો વેચાણમાંથી હટાવી લઈ પોતાના ગ્રાહકોને તેની સામે સ્વદેશી બ્રાંડ્સ અપનાવવા હાકલ કરી હતી. કેટલાક કેનેડિયન પ્રાંતોએ તો વળતા પગલામાં પણ પસંદગીના ધોરણે અમેરિકાના રીપબ્લિકન્સની સરકાર ધરાવતા રાજ્યોમાંથી જ થતી આયાતોને નિશાન બનાવી હતી, ડેમોક્રેટ્સના શાસન હેઠળના રાજ્યોને તેમાંથી બાકાત રાખ્યા હતા.
છેલ્લા અહેવાલો મુજબ કેનેડાના ઓન્ટારીઓ પ્રાંતે તો ટ્રમ્પના ખાસ સાથી, ઈલોન મસ્કની સ્ટારલિંકને પણ નિશાન બનાવી તેની સાથેનો ઈન્ટરનેટ સર્વિસીઝનો કોન્ટ્રાક્ટ રદ કરવાની જાહેરાત કરી હતી. વળતા પગલાંની અસર તળે ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા એકાન્ટ ઉપર જાહેરાત કરી હતી કે તેઓ કેનેડાના વડાપ્રધાન ટ્રુડો સાથે સોમવારે ફરી વાત કરશે. ઓન્ટારીઓ ઉપરાંત કેનેડાના એક વધુ પ્રાંત બ્રિટિશ કોલમ્બિયાએ પણ અમેરિકાના રાજ્યો સામે આયાત જંગના મંડાણી જાહેરાત કરી દીધી હતી.
ટ્રમ્પે લાદેલા ટેરિફનો આકરો વિરોધ કરતાં ચીને પોતાના હિતો અને અધિકારના રક્ષણનું એલાન કર્યું હતું. ચીનના વાણિજ્ય મંત્રાયલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમેરિકાની ખોટી નીતિના વિરોધમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં કેસ કરાશે.

LEAVE A REPLY