ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે વહીવટીતંત્રે તૈયારીઓ શરૂ કરી છે અને 15 એપ્રિલ સુધીમાં તમામ વ્યવસ્થા થઈ જવાનો દાવો કર્યો છે. આ વર્ષે 60 ટકા નોંધણીઓ ઓનલાઈન અને 40 ટકા ઓફલાઈન થશે. ગઢવાલ કમિશનર વિનય શંકર પાંડેની અધ્યક્ષતામાં તાજેતરમાં યાત્રા વ્યવસ્થાપન સમિતિની બેઠકમાં યોજાઇ હતી. જેમાં ચારધામ યાત્રાને સફળ બનાવવા માટે સૂચનો પણ લેવાયા હતા. આ બેઠકમાં એવો પણ નિર્ણય લેવાયો હતો કે, યાત્રા શરૂ થયાના પહેલા મહિનામાં VIP દર્શન પર પ્રતિબંધ રહેશે.
પાંડેએ જણાવ્યું હતું કે, આ વર્ષે 40 ટકા નોંધણીઓ ઑફલાઇન કરાશે જેથી ગ્રામીણ વિસ્તારોના યાત્રાળુઓને ઑનલાઇન નોંધણીની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. ચારધામ યાત્રાળુઓને યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથના ક્રમમાં સ્લોટ મળશે. ચારધામ યાત્રા રૂટ પરનું તમામ કામ 15 એપ્રિલ સુધીમાં પૂર્ણ કરાશે.
આ વખતે યાત્રા રૂટ પર દર દસ કિલોમીટરના અંતરે ચિત્તા પોલીસ અથવા હિલ પેટ્રોલિંગ યુનિટની ટુકડી તૈનાત રહેશે. ચારધામ યાત્રા દર વર્ષે એપ્રિલ-મે મહિનામાં શરૂ થાય છે. બદ્રીનાથના દરવાજા 4 મેના રોજ ખુલશે જ્યારે અન્ય ત્રણ ધામ- કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ખુલવાની તારીખો ટૂંક સમયમાં જાહેર કરાશે.

LEAVE A REPLY