અમેરિકાથી ડીપોર્ટ કરાયેલા ગુજરાતના તમામ ૩૩ નાગરિકોને ગુરુવારે અમદાવાદ એરપોર્ટથી પોલીસ દ્વારા સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવામાં આવ્યા હતા. અમેરિકામાંથી પરત ફરેલા ૧૦૪ ભારતીય નાગરિકો પૈકી ૩૩ નાગરિકો ગુજરાતના છે. તેમને ૫ ફેબ્રુઆરીના રોજ, અમૃતસર એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની ઈમિગ્રેશન ક્લિયરન્સ અને વેરિફિકેશનની તમામ જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી હતી.
રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા આ તમામ ૩૩ નાગરિકોને ઘર સુધી સલામત રીતે પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટેશન સહિતની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ૩૩ નાગરિકોના રહેણાક વિસ્તારની વિગતોના આધારે, સંબંધિત જિલ્લાની પોલીસ દ્વારા એક નોડલ અધિકારીની નિમણુક કરવામાં આવી, જેમના માર્ગદર્શન હેઠળ તમામ નાગરિકોને સરકારી વાહન દ્વારા સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા. આ તમામ ૩૩ નાગરિકોને વાયા દિલ્હીની ફ્લાઈટ દ્વારા સવારે ૬:૧૦ કલાકે અમદાવાદ લાવવામાં આવ્યા હતા.
![](https://www.garavigujarat.biz/wp-content/uploads/2024/06/eee.jpg)