યુએસ પોસ્ટલ સર્વિસ (USPS)એ જણાવ્યું છે કે, તે ચીન અને હોંગકોંગથી આવી રહેલા પાર્સલની સર્વિસને હંગામી સમય માટે સ્થગિત કરી રહી છે, જેની સામે ચીન સરકારે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી હતી. આ આદેશ અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તાજેતરમાં ચીનથી આયાત પર વધારાના 10 ટકા ટેરિફના અમલ પછી કરવામાં આવ્યો છે.
આ આદેશ લાગુ થયાની થોડી મિનિટો પછી, ચીન સરકારે વળતા જવાબમાં વિવિધ અમેરિકન વસ્તુઓ પર નવા ટેરિફ જાહેર કર્યા હતા, જેના કારણે વિશ્વના બે સૌથી મોટા અર્થતંત્રો વચ્ચે વ્યાપાર યુદ્ધ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. USPS દ્વારા આ સેવા સ્થગિત કરવાનો નિર્ણય ગત સપ્તાહના અંતે જાહેર કરવામાં આવ્યો હતો, જે “નવી સૂચના ન મળે ત્યાં સુધી” અમલમાં રહેશે. આ અંગે ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, “સૈદ્ધાંતિક રીતે અમે અમેરિકાને વિનંતી કરીએ છીએ કે, તેઓ વ્યાપારિક અને આર્થિક મુદ્દે રાજકારણ કરવાનું બંધ કરે અને ચીનની કંપનીઓ પર ગેરવાજબી દમન ગુજારવાનું બંધ કરે.”
મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને વધુમાં જણાવ્યું હતું કે, “અમે ચીનની કંપનીઓના કાયદેસર અધિકારો અને હિતોનું રક્ષણ કરવા માટે જરૂરી પગલાં લેવાનું જાળવી રાખીશું.” આ આદેશમાં ઓછા કિંમતના પેકેજોમાં ડ્યૂટી-ફ્રી છૂટ આપવાનું પણ બંધ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY