દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગમાં ગુરુવારે 60 ટકા જેટલું મતદાન થયા પછી એક્ઝિટ પોલ્સના અનુમાન શરૂ થયા છે. મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપના NDA ગઠબંધનના વિજયની આગાહી કરવામાં આવે છે. માત્ર બે એક્ઝિટ પોલમાં શાસક પક્ષ આમ આદમી પાર્ટીને ફરી સત્તા મળવાનું અનુમાન જાહેર કરાયું છે. જ્યારે બે એક્ઝિટ પોલમાં ભાજપ અને આપ વચ્ચે રસાકસી રહેવાની શક્યતા વ્યક્ત થઈ છે. ગત વિધાનસભા ચૂંટણીમાં એક પણ બેઠક નહીં જીતી શકેલી કોંગ્રેસને સ્થાનિક રાજકારણમાં પ્રવેશની ફરી તક મળવાની સંભાવના દરેક એક્ઝિટ પોલમાં વ્યક્ત થઈ છે. કોંગ્રેસની આ વાપસીથી આપની વોટબેન્કમાં ગાબડું પડ્યું હોવાનું તારણ છે. દિલ્હીમાં મતદાન પૂર્ણ થયા પછી ઈવીએમને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત હેઠળ મૂકી દેવાયા છે. 8 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી પંચ દ્વારા મતગણતરી હાથ ધરાશે અને 8મીએ દિલ્હીનું સિંહાસન કોને મળશે તેની જાહેરાત થઈ જશે. દિલ્હી વિધાનસભામાં કુલ 70 બેઠકો છે અને 35થી વધુ બેઠક મેળવનાર પક્ષને રાજ્યની સત્તા મળશે. ગત ચૂંટણીમાં આપના 62 અને ભાજપના 8 ઉમેદવાર વિજયી થયા હતા. 2020ની વિધાનસભાની ચૂંટણીના મતદાન બાદ જાહેર થયેલા તમામ એક્ઝિટ પોલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કરનો ઉલ્લેખ હતો. આપના વિજયની કે કોંગ્રેસના સફાયાની આગાહી કોઈ એક્ઝિટ પોલમાં થઈ ન હતી. દિલ્હીના મતદારોએ એક્ઝિટ પોલ તૈયાર કરનારી એજન્સીઓ સાથે રાજકીય ફલક પર પણ મોટો આંચકો આપ્યો હતો. દિલ્હીના પરિણામ બાદ આમ આદમી પાર્ટી અને તેના વડા કેજરીવાલના કદમાં વધારો થયો હતો. ભાજપ અને આપના નેતાઓ સ્પષ્ટ બહુમતિ મળવાના દાવા કરી રહ્યા છે. જો કે 2025ના વર્ષમાં મતદારો ફરી વખત આશ્ચર્ય સર્જે છે કે પછી એક્ઝિટ પોલના તારણો સાચા ઠરે છે તેના પર સમગ્ર દેશની નજર છે.

LEAVE A REPLY