બ્રેક્ઝિટ પછી વડા પ્રધાન કેર સ્ટાર્મર સોમવારે બ્રસેલ્સમાં યોજાનાર યુરોપિયન કાઉન્સિલની અનૌપચારિક બેઠકમાં યુરોપિયન યુનિયન (EU)ના નેતાઓ સાથે જોડાનાર પ્રથમ બ્રિટિશ વડા પ્રધાન બન્યા હતા.
આ બેઠક માટે સંરક્ષણ અને સુરક્ષા વાટાઘાટો તેમના કાર્યસૂચિના કેન્દ્રમાં હતી. જૂન 2016 ના લોકમતમાં યુકેએ ઇયુના આર્થિક બ્લોકમાંથી બહાર નીકળવા માટે મતદાન કર્યું હતું. ઇયુના 27 સભ્ય-રાષ્ટ્રોના નેતાઓ સાથેની આ બેઠક, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકીઓએ વિશ્વભરના અર્થતંત્રો સાથે વેપાર યુદ્ધ શરૂ કરવાની પૃષ્ઠભૂમિ બાદ સામે આવી છે.
બેલ્જિયમની રાજધાનીમાં ઐતિહાસિક પેલેસ ડી’એગમોન્ટની મુલાકાત એ સ્ટાર્મરની આગેવાની હેઠળની લેબર સરકાર દ્વારા બ્રેક્ઝિટ પછીના “રીસેટ” તરીકે ઓળખાતી ઘટનાનો એક ભાગ છે.
10 ડાઉનિંગ સ્ટ્રીટ અનુસાર, સ્ટાર્મર યુરોપને રશિયા પર દબાણ ચાલુ રાખવા અને યુક્રેનને સતત લશ્કરી સમર્થન આપવા માટે હાકલ કરશે, જેથી આ વર્ષે તેમને શક્ય તેટલી મજબૂત સ્થિતિમાં મૂકી શકાય.
નાટોના સેક્રેટરી જનરલ માર્ક રુટ સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા, વડા પ્રધાન સ્ટાર્મરે કહ્યું હતું કે ‘’બ્રિટન યુએસ અને ઇયુ વચ્ચે પસંદગી કરશે નહીં. હું હંમેશા સ્પષ્ટ રહ્યો છું કે બંને અમારા માટે મહત્વપૂર્ણ છે. અમે તેમની વચ્ચે પસંદગી કરી રહ્યા નથી, પરંતુ ઐતિહાસિક રીતે ઘણા દાયકાઓથી યુકેનું વલણ આ રહ્યું છે. યુકે અને વૈશ્વિક સુરક્ષાના શ્રેષ્ઠ હિતમાં છે કે અમે EU અને US સાથે કામ કરીએ.”
સોમવારે EU કાઉન્સિલની બેઠકમાં, સ્ટાર્મર “મહત્વાકાંક્ષી UK-EU સંરક્ષણ અને સુરક્ષા ભાગીદારી” માટે પોતાનો પ્રસ્તાવ રજૂ કરે તેવી અપેક્ષા છે, જેમાં બ્રિટન માટે વિકાસ અને સુરક્ષા પ્રદાન કરતી વખતે, સહિયારા જોખમો પર સહયોગ વધારવા અને સરહદ પારના ગુના અને ગેરકાયદેસર સ્થળાંતર પર આગળ વધવા માટે અનેક પગલાં લેવામાં આવશે.
વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા, કેમી બેડેનોકે ચેતવણી આપી છે કે લેબર સરકાર ભૂતકાળના વિભાજનને ફરીથી ખોલવા અને અમને EU માં પાછા ધકેલી દેવાનો પ્રયાસ કરી રહી છે.