બ્રિટનમાં શરિયા કાયદાનો પ્રભાવ ઝડપથી વધી રહ્યો છે ત્યારે ભૂતપૂર્વ હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને વોશિંગ્ટન સ્થિત રાઇટ વિંગ થિંક ટેન્ક “હેરિટેજ ફાઉન્ડેશન”ના એક કાર્યક્રમમાં આપેલા વિવાદાસ્પદ ભાષણમાં કહ્યું હતું કે ‘’શરિયા કાયદો બ્રિટનમાં ફેલાઈ રહ્યો છે. જો બ્રિટનમાં પરિસ્થિતિ નહીં બદલાય, તો યુકે પરમાણુ શસ્ત્રો ધરાવતું પ્રથમ ઇસ્લામિક રાષ્ટ્ર બની શકે છે અને બ્રિટન ઈરાન જેવું શાસન ધરાવતા બીજા ઉગ્રવાદી જૂથના હાથમાં આવી શકે છે. બ્રિટનને ફરીથી મહાન બનાવવું જોઈએ.’’
બ્રેવરમેને કહ્યું હતું કે ‘’આગામી બે દાયકામાં દેશ ઈરાનની જેમ ‘પશ્ચિમ વિરોધી શક્તિ’ બની શકે છે. 20 વર્ષ પછી, અમેરિકા માટે સૌથી મોટો ખતરો ચીન કે રશિયા નહીં, પણ બ્રિટન પોતે જ હોઈ શકે છે. બ્રિટનની વર્તમાન નેતૃત્વ વ્યવસ્થા સંપૂર્ણપણે નબળી પડી ગઈ છે, જેના કારણે દેશ એક ગંભીર ખતરા તરફ આગળ વધી રહ્યો છે. અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે પણ નેશનલ કન્વર્સીટીઝમ કોન્ફરન્સમાં કહ્યું હતું કે યુકે પરમાણુ શસ્ત્રો ધરાવતું પહેલું ઇસ્લામિક રાષ્ટ્ર બનશે. મને નથી લાગતું કે તેઓ મજાક કરી રહ્યા હતા.’’
અન્ય સ્થળે કરેલા ભાષણમાં બ્રેવરમેને દાવો કર્યો હતો કે ભલે કેર સ્ટાર્મરની ડોનાલ્ડ ટ્રમ્પે વિકેન્ડમાં પ્રશંસા કરી હોય પણ યુકે-યુએસ સંબંધો હવે “ખરાબ સ્થિતિમાં છે”.
બ્રેવરમેનના આ નિવેદનથી બ્રિટિશ રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. વિરોધપક્ષોએ તેને ઉશ્કેરણીજનક અને અપ્રમાણિત નિવેદન ગણાવ્યું છે. આ પહેલા પણ બ્રેવરમેને કહ્યું હતું કે ‘’મારૂ સ્વપ્ન છે કે ગેરકાયદેસરના ઇમિગ્રન્ટ્સને રવાન્ડા મોકલી દેવામાં આવે.’’
![](https://www.garavigujarat.biz/wp-content/uploads/2024/06/eee.jpg)