ટાટા ગ્રુપની એર ઇન્ડિયા (AI) એ માર્ચના અંતથી અને એપ્રિલ 2025ની શરૂઆતથી અમલમાં આવતા નોર્ધર્ન સમર 2025 સીઝન માટે લંડનના ફ્લાઇટ શેડ્યૂલમાં નોંધપાત્ર ફેરફારોની જાહેરાત કરી છે. એર ઇન્ડિયા અમૃતસર અને લંડન-ગેટવિક વચ્ચે ફ્લાઇટ્સ વધારશે જ્યારે ગોવા – લંડન-ગેટવિક વચ્ચે એક ફ્લાઇટ ઘટાડશે. માર્ચ 2025થી કોચી-લંડન ગેટવિક રૂટ પરની ડાયરેક્ટ્ ફ્લાઇટને બંધ કરવાની જાહેરાત કરી છે.

એર ઇન્ડિયા અમદાવાદ (AMD) થી લંડન ગેટવિક (LGW)ની પાંચ નોન-સ્ટોપ ડાયરેક્ટ ફ્લાઇટ્સ ઉડાવે છે અને એકમાત્ર એર ઇન્ડિયા ડાયરેક્ટ ફ્લાઇટ ઉડાવે છે.

મુખ્ય પ્રવાસન સ્થળ ગોવાના નવા મોપા એરપોર્ટ  (GOX) – લંડન ગેટવિક (LGW) વચ્ચે હાલમાં દર અઠવાડિયે 4 ફ્લાઇટ્સ ચાલે છે તેને બદલે હવે દર અઠવાડિયે 3 ફ્લાઇટ્સ ઉડાવાશે. જે ફેરફાર ૩૦ માર્ચ ૨૦૨૫થી અમલમાં આવશે.

અમૃતસર (ATQ)થી લંડન ગેટવિક (LGW) વચ્ચે હાલમાં દર અઠવાડિયે ૩ ફ્લાઇટ્સ ચાલે છે અને હવે પછી દર અઠવાડિયે ૪ ફ્લાઇટ્સ ઉડાવાશે. જે ફેરફારો ૫ એપ્રિલ ૨૦૨૫થી અમલમાં આવશે. આ રૂટ પરની સેવાઓમાં વધારો પંજાબ અને યુકે વચ્ચેની મુસાફરીની મજબૂત માંગ દર્શાવે છે. લંડન અને આસપાસના પ્રદેશોમાં મોટા પંજાબી ડાયસ્પોરા, અમૃતસરનો પ્રવાસ તથા મિત્રો અને સંબંધીઓની મુલાકાત આ વધારા માટે જવાબદાર છે.

બીજી તરફ એક આકરો નિર્ણય લઇ એર ઇન્ડિયાએ તેની કોચી-લંડન ગેટવિક રૂટ પરની ડાયરેક્ટ્ ફ્લાઇટને બંધ કરવાની જાહેરાત કરી છે. જેનો અમલ 30 માર્ચ 2025 પછી કરવામાં આવશે. હવેથી કોચીના મુસાફરોએ લંડન જવા દિલ્હી, મુંબઈ અથવા બેંગલુરુ દ્વારા કનેક્ટિંગ ફ્લાઇટ્સ મેળવવી પડશે.

એર ઇન્ડિયા હાલમાં ચાર ભારતીય શહેરો અમદાવાદ, અમૃતસર, ગોવા અને કોચીથી લંડન ગેટવિક વચ્ચે ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. જ્યારે દિલ્હી અને મુંબઈ જવા લંડન હીથ્રોનો ઉપયોગ કરે છે. એર ઇન્ડિયા માટે લંડન-હીથ્રો એરપોર્ટની તુલનામાં ગેટવિક એરપોર્ટ ઉડાન ભરવા માટે ઘણો સસ્તો વિકલ્પ છે.

એર ઇન્ડિયા એરલાઇનના આંતરરાષ્ટ્રીય નેટવર્કમાં બદલાતી માંગ, નફાકારકતા અને વ્યૂહાત્મક વ્યવસ્થાને પગલે ભારત અને યુકે વચ્ચેના ઘણા રૂટમાં ફેરફાર કરી રહી છે. એર ઇન્ડિયા આગામી મહિનાઓમાં તેના યુકે અને યુરોપ નેટવર્કમાં વધુ ફેરફારો તથા આંતરરાષ્ટ્રીય વિસ્તરણ અને નેટવર્ક ઑપ્ટિમાઇઝેશન ચાલુ રાખે તેવી શક્યતા છે.

એર ઇન્ડિયા હાલમાં વિમાનોના કાફલાની નોંધપાત્ર અછતનો સામનો કરી રહ્યું છે જેને કારણે લોસ એન્જલસ (LAX) અને ડલ્લાસ (DFW) વગેરે જેવા મુખ્ય યુએસ રૂટ્સ પર અપેક્ષિત ફ્લાઇટ્સ શરૂ કરવામાં તેની અસમર્થતા પરથી સ્પષ્ટ થાય છે. આ મર્યાદાએ એરલાઇનની વિસ્તરણ યોજનાઓને અસર કરી છે.

કોચી-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ્સ બંધ કરવા બાબતે કેરળ સરકારે ચિંતા વ્યક્ત કરી

એર ઇન્ડિયા દ્વારા કોચી અને લંડન વચ્ચેની સીધી ફ્લાઇટ્સ 28 માર્ચથી બંધ કરવાના નિર્ણય બાબતે કેરળ સરકારના ખાસ પ્રતિનિધિ તથા ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી કે.વી. થોમસે શુક્રવારે ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી.

એર ઇન્ડિયાના CEO અને MD કેમ્પબેલ વિલ્સનને લખેલા પત્રમાં તેમણે કહ્યું હતું કે ‘’આ પગલાથી મુસાફરોને અન્ય વિકલ્પો તરફ વળવું પડશે અને મુસાફરીના સમય અને ખર્ચમાં વધારો થવા ઉપરાંત મુસાફરો માટે વધારાની અસુવિધા થશે. યુકેમાં રહેતા ભારતીયો, ખાસ કરીને કેરળના લોકો માટે મુસાફરીને સરળ બનાવવામાં કોચી-લંડન રૂટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. તેથી એર ઇન્ડિયાએ આ નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઇએ અને સીધી ફ્લાઇટ સેવા ચાલુ રાખવા માટે જરૂરી પગલાં લેવા જોઇએ.’’

એર ઇન્ડિયા તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

LEAVE A REPLY